ગત વર્ષની સરખામણીએ NDPSના કેસોમાં 240 ટકાનો વધારો; 286 આરોપીઓ ઝડપાયા, 200થી વધુ નશાના સેવનકર્તાઓના પુનર્વસનનો પ્રયાસ
અમદાવાદ શહેરને નશામુક્ત બનાવવાના અભિયાન હેઠળ પોલીસે નશીલા પદાર્થો સામેની કાર્યવાહી વધુ તેજ બનાવી છે. શહેર પોલીસના જણાવ્યા અનુસાર, ચાલુ વર્ષમાં 26 ઓક્ટોબર સુધીમાં NDPS અધિનિયમ હેઠળ કુલ 188 કેસ નોંધવામાં આવ્યા છે. આ કેસોમાં રૂ.42 કરોડથી વધુ કિંમતનો નશીલા પદાર્થોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જ્યારે 286 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
ગત વર્ષે જાન્યુઆરીથી ઓક્ટોબર દરમિયાન NDPSના 55 કેસ નોંધાયા હતા. તેની સરખામણીએ ચાલુ વર્ષે કેસોની સંખ્યામાં 133નો વધારો થયો છે, જે આશરે 240 ટકાનો વધારો દર્શાવે છે.
શહેરનાં 48 પોલીસ સ્ટેશનોમાં એન્ટી નાર્કોટિક સેલ
અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ નશીલા પદાર્થો સામેની કાર્યવાહી મજબૂત બનાવવા શહેરનાં તમામ 48 પોલીસ સ્ટેશનોમાં પોલીસ સ્ટેશન કક્ષાએ એન્ટી નાર્કોટિક સેલ કાર્યરત કરવામાં આવ્યા છે. દરેક સેલમાં એક પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અને ચાર પોલીસ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ રીતે કુલ 240 અધિકારીઓ અને કર્મચારીઓ આ કામગીરીમાં જોડાયેલા છે.
આ ઉપરાંત સેક્ટર-1 અને સેક્ટર-2 વિસ્તારમાં અલગથી એન્ટી નાર્કોટિક વિંગ પણ કાર્યરત કરવામાં આવી છે. આ વિંગમાં એક પોલીસ ઇન્સ્પેક્ટર અને સાત પોલીસ કર્મચારીઓ સહિત કુલ 16 અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ બજાવે છે. NDPSના ગુનાઓ સામે અમદાવાદ શહેર SOG અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ વિશેષ ટીમો મારફતે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પોલીસ કર્મચારીઓને વિશેષ તાલીમ
નશીલા પદાર્થો સામેની કામગીરી વધુ અસરકારક બને તે માટે ચાલુ વર્ષે એન્ટી નાર્કોટિક સેલ, વિંગ, SOG અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ તથા કર્મચારીઓને વિશેષ તાલીમ આપવામાં આવી છે.
આ તાલીમમાં NDPS અધિનિયમ હેઠળના ગુનાઓની તપાસ, ગુપ્ત બાતમીનું સંકલન, નશીલા પદાર્થોની ઓળખ, કાયદાકીય જોગવાઈઓ અને અસરકારક કાર્યવાહી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અલગ-અલગ ટીમો બનાવીને સિનિયર અધિકારીઓ દ્વારા ટીમ લીડર તરીકે માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.
એક વર્ષમાં કેસોની સંખ્યામાં મોટો વધારો
અમદાવાદ શહેર પોલીસના આંકડા મુજબ, જાન્યુઆરી 2025થી ઓક્ટોબર 2025 દરમિયાન NDPSના કુલ 55 કેસ નોંધાયા હતા. આ કેસોમાં રૂ.4,45,19,173નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને 90 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
જ્યારે ચાલુ વર્ષે 26 ઓક્ટોબર સુધીમાં 188 કેસ નોંધાયા છે. તેમાં રૂ.42 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત થયો છે અને 286 આરોપીઓ ઝડપાયા છે. આ આંકડા મુજબ, ગત વર્ષની સરખામણીએ પોલીસની કાર્યવાહીનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધ્યું છે.
SOGએ એક કેસમાં રૂ.7 કરોડથી વધુનો હાઇબ્રિડ ગાંજો પકડ્યો
શહેર પોલીસની કાર્યવાહી દરમિયાન SOG દ્વારા એક કેસમાં રૂ.7 કરોડથી વધુ કિંમતનો હાઇબ્રિડ ગાંજો જપ્ત કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત અન્ય કેસોમાં પણ નશીલા પદાર્થોનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે.
સુરત ક્રાઇમ બ્રાન્ચની માહિતીથી રૂ.25 કરોડથી વધુનો જથ્થો ઝડપાયો
નશીલા પદાર્થોના નેટવર્ક સામે કાર્યવાહી કરવા અમદાવાદ પોલીસ રાજ્યની અન્ય એજન્સીઓ તેમજ શહેર અને જિલ્લા પોલીસ સાથે સતત સંકલન રાખી રહી છે. વિવિધ એજન્સીઓ વચ્ચે ગુપ્ત માહિતીની આપ-લે પણ કરવામાં આવે છે.
આ સંકલનના ભાગરૂપે તાજેતરમાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં રૂ.25 કરોડથી વધુ કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી હોવાનું અમદાવાદ પોલીસે જણાવ્યું છે.
200થી વધુ સેવનકર્તાઓના પુનર્વસનનો પ્રયાસ
અમદાવાદ પોલીસ માત્ર ડ્રગ્સના સપ્લાય અને વેચાણ સામે કાર્યવાહી પૂરતી સીમિત નથી. નશાના સેવનથી પ્રભાવિત લોકોને મુખ્ય પ્રવાહમાં પાછા લાવવા માટે પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, ચાલુ વર્ષ દરમિયાન 200થી વધુ નશાના સેવનકર્તાઓના પુનર્વસન માટે કામગીરી કરવામાં આવી રહી છે.
અમદાવાદ શહેરને નશામુક્ત બનાવવાના અભિયાનમાં પોલીસ સાથે નાગરિકોનો સહયોગ પણ જરૂરી હોવાનું પોલીસ તંત્રએ જણાવ્યું છે. નશીલા પદાર્થોના વેચાણ કે હેરાફેરી અંગેની માહિતી સમયસર પોલીસ સુધી પહોંચે તો આવી પ્રવૃત્તિઓ સામેની કાર્યવાહી વધુ અસરકારક બની શકે છે.









