ગુજરાતમાં અમૃત 2.0 મિશન હેઠળ રૂ.4,832 કરોડનાં 497 વિકાસકામો પૂર્ણ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

પાણી પુરવઠા, ગટર વ્યવસ્થા, તળાવો અને બાગ-બગીચાઓના વિકાસથી શહેરોમાં સુવિધાઓનો વિસ્તાર; 2.72 લાખથી વધુ નવાં નળ જોડાણો અપાયાં

રાજકોટ: રાજ્યનાં શહેરોને આધુનિક અને સુવિધાસભર બનાવવા તેમજ નાગરિકોના જીવનધોરણમાં સુધારો લાવવાના હેતુથી શરૂ કરાયેલા અમૃત 2.0 (AMRUT 2.0) મિશન હેઠળ ગુજરાતમાં અત્યાર સુધીમાં રૂ.4,832 કરોડના ખર્ચે 497 વિકાસકામો પૂર્ણ કરવામાં આવ્યાં છે. પાણી પુરવઠો, ભૂગર્ભ ગટર વ્યવસ્થા, તળાવોના નવીનીકરણ અને બાગ-બગીચાઓના વિકાસ સહિતનાં કામોથી શહેરી માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

કેન્દ્રના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા 1 ઓક્ટોબર, 2021ના રોજ અટલ મિશન ફોર રિજુવિનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન (AMRUT 2.0)ની શરૂઆત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં આ મિશનના વિવિધ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરી વિસ્તારોમાં દરેક ઘર સુધી નળ દ્વારા શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાનો તેમજ 31 અમૃત શહેરોમાં ગટર અને સુએજ-સેપ્ટેજ જોડાણની સુવિધા વિસ્તૃત કરવાનો છે.

પાણી પુરવઠા માટે રૂ.2,937 કરોડનાં 224 કામો પૂર્ણ

રાજ્યમાં પીવાના પાણીની સુવિધા વધુ સુદૃઢ બનાવવા પાણી પુરવઠા ક્ષેત્રે રૂ.2,937 કરોડના ખર્ચે 224 વિકાસકામો પૂર્ણ કરવામાં આવ્યાં છે. આ કામગીરીના પરિણામે પાણી શુદ્ધિકરણ ક્ષમતામાં 539 MLDનો વધારો થયો છે, જ્યારે 1,366 લાખ લિટર પાણી સંગ્રહ કરવાની નવી ક્ષમતા ઊભી કરવામાં આવી છે.

આ ઉપરાંત 2,128 કિલોમીટર લાંબું પાણી વિતરણ પાઇપલાઇન નેટવર્ક વિકસાવવામાં આવ્યું છે. રાજ્યમાં 2.72 લાખથી વધુ નવાં ઘરેલુ નળ જોડાણો આપવામાં આવ્યાં છે, જેના કારણે અંદાજે 23.87 લાખ નાગરિકોને લાભ મળ્યો છે. આ સુવિધાઓથી શહેરી વિસ્તારોમાં પીવાના પાણીની ઉપલબ્ધતા અને વિતરણ વ્યવસ્થામાં સુધારો થવાની અપેક્ષા છે.

ગટર વ્યવસ્થાના 77 કામો પૂર્ણ, 31.76 લાખ લોકોને લાભ

રાજ્યના 31 અમૃત શહેરોમાં ભૂગર્ભ ગટર વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા રૂ.1,500 કરોડના ખર્ચે 77 કામો પૂર્ણ કરવામાં આવ્યાં છે. આ પ્રોજેક્ટ્સના પરિણામે ગંદા પાણીના શુદ્ધિકરણની ક્ષમતામાં 162 MLDનો વધારો થયો છે. સાથે જ 931 કિલોમીટર નવી ગટરલાઇનનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત 1.03 લાખથી વધુ નવાં ઘરેલુ ગટર જોડાણો આપવામાં આવ્યાં છે. આ સુવિધાથી અંદાજે 31.76 લાખ નાગરિકોને લાભ મળ્યો છે. ગંદા પાણીના યોગ્ય નિકાલ અને શુદ્ધિકરણની વ્યવસ્થા મજબૂત થવાથી શહેરોમાં સ્વચ્છતા જાળવવામાં અને આરોગ્યપ્રદ વાતાવરણ ઊભું કરવામાં મદદ મળશે.

78 તળાવોનો કાયાકલ્પ, જળસંચયને પ્રોત્સાહન

શહેરી વિસ્તારોમાં જળસંચય અને જળસુરક્ષાને પ્રોત્સાહન આપવા તળાવોના નવીનીકરણની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. આ ક્ષેત્રે રૂ.301 કરોડના ખર્ચે 97 કામો પૂર્ણ કરીને કુલ 78 તળાવોનું નવીનીકરણ અને કાયાકલ્પ કરવામાં આવ્યો છે. તળાવોના વિકાસથી વરસાદી પાણીના સંગ્રહની સાથે શહેરોના પર્યાવરણીય સંતુલનને પણ વેગ મળવાની આશા છે.

રૂ.94 કરોડના ખર્ચે 87 બાગ-બગીચાઓ વિકસાવાયા

શહેરોમાં હરિયાળી વધારવા અને નાગરિકોને મનોરંજન તથા આરામ માટે ખુલ્લી જગ્યાઓ ઉપલબ્ધ કરાવવા બાગ-બગીચા વિકાસ ક્ષેત્રે રૂ.94 કરોડના ખર્ચે 99 કામો પૂર્ણ કરવામાં આવ્યાં છે. આ કામગીરી હેઠળ 87 બાગ-બગીચાઓ વિકસાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ‘વુમન ફોર ટ્રી’ અભિયાન અંતર્ગત 1.52 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.

શહેરી જીવનધોરણ સુધારવા માળખાકીય વિકાસ પર ભાર

અમૃત 2.0 મિશન હેઠળ પૂર્ણ થયેલાં આ કામો દ્વારા ગુજરાતનાં શહેરોમાં પાણી, ગટર, જળસંચય અને હરિયાળી જેવી પાયાની સુવિધાઓનો વિસ્તાર થયો છે. નાગરિકોને ઘરઆંગણે વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની સાથે શહેરોને સ્વચ્છ, હરિયાળાં અને સુવ્યવસ્થિત બનાવવાના પ્રયાસોને પણ વેગ મળ્યો છે. આગામી સમયમાં બાકી રહેલી કામગીરી પૂર્ણ થતાં શહેરી વિસ્તારોમાં ‘ઈઝ ઑફ લિવિંગ’ વધુ સુધરવાની અપેક્ષા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai