25 ફેબ્રુઆરીથી પરીક્ષાનો પ્રારંભ; નિયમિત વિદ્યાર્થીઓથી લઈને રિપીટર સુધીની ફીમાં વધારો, 3 ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2027માં યોજાનારી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનાં ફોર્મ સ્વીકારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ આગામી 3 ડિસેમ્બર સુધી પરીક્ષાનાં ફોર્મ ભરી શકશે. દરમિયાન શિક્ષણ બોર્ડે પરીક્ષાની ફીમાં સરેરાશ પાંચ ટકાનો વધારો જાહેર કરતાં વિદ્યાર્થીઓ અને વાલીઓ પર વધારાનો આર્થિક બોજ પડશે.
બોર્ડ દ્વારા જાહેર કરાયેલા નવા ફી માળખા મુજબ ધોરણ 10ના નિયમિત વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી રૂ.445 નક્કી કરવામાં આવી છે. અગાઉ આ ફી રૂ.425 હતી. તેવી જ રીતે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની નિયમિત પરીક્ષા ફી રૂ.725થી વધારીને રૂ.760 કરવામાં આવી છે, જ્યારે સામાન્ય પ્રવાહની ફી રૂ.590થી વધારીને રૂ.620 કરવામાં આવી છે.
ધોરણ 10ના રિપીટર વિદ્યાર્થીઓની ફી
ધોરણ 10ના રિપીટર વિદ્યાર્થીઓ માટે વિષયોની સંખ્યા પ્રમાણે ફી નક્કી કરવામાં આવી છે. એક વિષયની પરીક્ષા આપવા માટે રૂ.165, બે વિષય માટે રૂ.235, ત્રણ વિષય માટે રૂ.300 અને ત્રણથી વધુ વિષયો માટે રૂ.425 ફી ચૂકવવાની રહેશે.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું નવું ફી માળખું
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓ માટે એક વિષયની ફી રૂ.230, બે વિષયની રૂ.380, ત્રણ વિષયની રૂ.530 અને ત્રણથી વધુ વિષયની રૂ.760 નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષાની ફીમાં પણ પ્રતિ વિષય રૂ.5નો વધારો કરવામાં આવ્યો છે.
સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓને પણ વધારાની ફી
ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓ માટે એક વિષયની પરીક્ષા ફી રૂ.175, બે વિષય માટે રૂ.280, ત્રણ વિષય માટે રૂ.360 અને ત્રણથી વધુ વિષયો માટે રૂ.620 નક્કી કરવામાં આવી છે.
25 ફેબ્રુઆરીથી બોર્ડ પરીક્ષાનો પ્રારંભ
શિક્ષણ બોર્ડના જાહેર કાર્યક્રમ મુજબ ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ 25 ફેબ્રુઆરીથી 17 માર્ચ 2027 દરમિયાન યોજાવાની છે. પરીક્ષાની તારીખો સાથે ફોર્મ ભરવાની પ્રક્રિયા અને ફીનું નવું માળખું પણ જાહેર કરવામાં આવ્યું છે. હવે વિદ્યાર્થીઓએ નિર્ધારિત સમયમર્યાદામાં ફોર્મ ભરીને નવી ફી મુજબ ચુકવણી કરવાની રહેશે.









