300 મીટર ઊંડી ખીણમાં પડ્યા બાદ નદીમાં સમાઈ ઇનોવા કાર; 17 વર્ષીય યુવક ગંભીર રીતે ઘાયલ, SDRF-NDRFની શોધખોળ ચાલુ
ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં ગંગોત્રી નેશનલ હાઈવે પર ગુજરાતના શ્રદ્ધાળુઓને નડેલા ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે બે મહિલાઓ લાપતા બનતાં તેમના પરિવારજનોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે. હરિદ્વારથી ગંગોત્રી ધામનાં દર્શન કરવા જઈ રહેલા પ્રવાસીઓની ઇનોવા કાર આશરે 300 મીટર ઊંડી ખીણમાં ખાબકીને ભાગીરથી નદીમાં પડી હતી. આ અકસ્માતમાં ત્રણ ગુજરાતી સહિત ચારનાં મોત થયાં છે, જ્યારે 17 વર્ષીય યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. ગુમ થયેલી બંને મહિલાઓની શોધખોળ માટે પોલીસ, SDRF અને NDRFની ટીમો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.
ધારા કુંડ પાસે કાર ખીણમાં ખાબકી
પ્રાપ્ત વિગતો અનુસાર, ગુરુવારે સવારે આશરે 7 વાગ્યે ગંગોત્રી નેશનલ હાઈવે પર ગંગનાની વિસ્તારમાં ધારા કુંડથી લગભગ 20 મીટર આગળ ડબરાણી તરફ જતી વખતે આ અકસ્માત સર્જાયો હતો. શ્રદ્ધાળુઓની ઇનોવા કાર અચાનક ચાલકના નિયંત્રણમાંથી બહાર જતાં રસ્તા પરથી નીચે ઊંડી ખીણમાં ખાબકી હતી અને અંતે ભાગીરથી નદીમાં જઈ પડી હતી. કાર આશરે 300 મીટર ઊંડી ખીણમાં પડતાં અકસ્માતની ગંભીરતા વધી ગઈ હતી.
અકસ્મતગ્રસ્ત કારનો નંબર UK-08-TA-6040 હોવાનું જાણવા મળ્યું છે. કાર હરિદ્વારમાં રજિસ્ટર્ડ હતી. પ્રવાસીઓએ હરિદ્વારથી ઇનોવા કાર ભાડે રાખી હતી અને ગંગોત્રી ધામનાં દર્શન માટે જઈ રહ્યા હતા.
ત્રણ ગુજરાતી સહિત ચારનાં મોત
આ દુર્ઘટનામાં સુરતનાં અશોકબેન પટેલ (49) અને તેમની દીકરી તિકા પટેલ (19), ઘનશ્યામભાઈ સરવાલિયા (32) તથા કારચાલક સુરેન્દ્ર સિંહનાં મોત થયાં છે. અકસ્માતમાં વેદાંત અશોકભાઈ પટેલ (17) ગંભીર રીતે ઘાયલ થયો છે. તેને રેસ્ક્યૂ ટીમે નદીમાંથી બહાર કાઢીને રસ્તા સુધી પહોંચાડ્યો હતો. ત્યારબાદ તેને વધુ સારવાર માટે ઉચ્ચ આરોગ્ય કેન્દ્રમાં ખસેડવાની અને હેલિકોપ્ટર મારફતે રિફર કરવાની તૈયારી હાથ ધરવામાં આવી હતી.
બે મહિલાઓની શોધખોળ માટે રેસ્ક્યૂ ઓપરેશન
અકસ્મતમાં સુધાબેન અશોકભાઈ પટેલ (45) અને સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાનાં રહેવાસી કિરણબેન પટેલ (34) લાપતા બન્યાં છે. નદીના તેજ પ્રવાહ અને દુર્ગમ વિસ્તારને કારણે તેમની શોધખોળમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે, બચાવ ટીમો દ્વારા નદીના કિનારા અને આસપાસના વિસ્તારોમાં સતત તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસ, SDRF અને NDRFની ટીમો ઘટનાસ્થળે
અકસ્મતની જાણ થતાં જ પોલીસ, SDRF, NDRF અને મેડિકલ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બચાવ કામગીરી દરમિયાન ઘાયલ યુવકને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો હતો. બીજી તરફ, લાપતા મહિલાઓને શોધવા માટે રેસ્ક્યૂ ઓપરેશન વધુ તેજ બનાવવામાં આવ્યું છે.
વહીવટી તંત્ર દ્વારા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર અને તબીબી ટીમોને એલર્ટ રાખવામાં આવી છે. અધિકારીઓએ બચાવ કામગીરીમાં ઝડપ લાવવા તેમજ ઘાયલ યુવકને યોગ્ય અને તાત્કાલિક સારવાર મળે તે માટે જરૂરી સૂચનાઓ આપી છે.
અકસ્માતનાં કારણોની તપાસ શરૂ
ગંગોત્રી હાઈવે પર સર્જાયેલા આ ગંભીર અકસ્માતને પગલે પ્રવાસીઓની સુરક્ષા અને પહાડી માર્ગો પર વાહનચાલન અંગે ફરી ચિંતા ઊભી થઈ છે. કાર કયા કારણોસર ચાલકના નિયંત્રણમાંથી બહાર ગઈ તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ સમગ્ર ધ્યાન લાપતા બંને મહિલાઓને શોધવા અને ઘાયલ યુવકને શ્રેષ્ઠ સારવાર પૂરી પાડવા પર કેન્દ્રિત છે.









