હોન્ડા સિટી કારની CNG ટાંકીમાં વિસ્ફોટ થતાં કારના ફુરચેફુરચા ઊડ્યા; પતરા ત્રીજા માળ સુધી પહોંચ્યા
વડોદરાના નવા યાર્ડ વિસ્તારમાં પાર્ક કરેલી હોન્ડા સિટી કારમાં અચાનક જોરદાર વિસ્ફોટ થતાં અફરાતફરી મચી ગઈ હતી. કારમાં લાગેલી આગ સાથે CNG ટાંકીમાં વિસ્ફોટ થતાં કારના ફુરચેફુરચા ઊડી ગયા હતા. આ ઘટનામાં યુવતી સહિત પાંચ લોકોને ઈજા પહોંચી હતી.
વિસ્ફોટથી કારના પતરા ત્રીજા માળ સુધી ઊડ્યા
પ્રાથમિક માહિતી અનુસાર, કારમાં થયેલો વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે કારના પતરા ઊડીને ત્રીજા માળ સુધી પહોંચ્યા હતા. આ દરમિયાન દીપીકાબેન મકવાણા, ઉષાબેન મકવાણા, નગીનભાઈ પરમાર, સવિતાબેન વાઘેલા અને વીણાબેન પરમારને ઈજા થઈ હતી.
ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ દોડી આવી
ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ, એમ્બ્યુલન્સ અને પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો, જ્યારે તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
15 દિવસ પહેલાં જ CNG કીટ ફિટ કરાવી હતી
તપાસમાં સામે આવેલી પ્રાથમિક માહિતી મુજબ, કારના માલિક પ્રીતેશ મકવાણાએ માત્ર 15 દિવસ પહેલાં જ કારમાં ગેસ કીટ ફિટ કરાવી હતી. કારની CNG ટાંકીમાં વિસ્ફોટ થવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.









