વારાણસીથી પાર્સલ મારફતે બિલ વગર મંગાવાયેલો માલ શક પડતી મિલકત તરીકે કબજે; GST વિભાગ સાથે મળીને રેલવે પોલીસની વધુ તપાસ
રાજકોટ: રાજકોટ રેલવે સ્ટેશન પરથી રેલવે પાર્સલ મારફતે વારાણસીથી મોકલવામાં આવેલો રૂ.14.53 લાખની કિંમતનો 1,321 કિલો કોપરનો જથ્થો રેલવે પોલીસે ઝડપી પાડ્યો છે. પ્રાથમિક તપાસમાં આ જથ્થો રાજકોટના સંત કબીર રોડ પર આવેલી ઉદય કાર્ગો સર્વિસના સંચાલક પ્રકાશભાઈ દ્વારા મંગાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. GSTની ભરપાઈ ટાળવા માટે જરૂરી બિલ વગર માલ મોકલવામાં આવ્યો હોવાની માહિતી મળતાં પોલીસે કોપરનો જથ્થો શક પડતી મિલકત તરીકે કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તહેવારોને ધ્યાનમાં રાખીને રેલવે પોલીસની તપાસ
પશ્ચિમ રેલવેના અધિક મહાનિર્દેશક કે.એન. ડામોર અને એસપી યશપાલ જગાણીયાના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ ડીવાયએસપી એચ.એમ. રાણાની રાહબરીમાં રેલવે પોલીસની ટીમ ટ્રેનો મારફતે દારૂ, માદક પદાર્થો કે અન્ય શંકાસ્પદ વસ્તુઓની હેરાફેરી અટકાવવા તપાસ કરી રહી હતી. આ તપાસમાં પીએસઆઇ બી.જે. જાડેજા, કે.યુ. વાળા સહિતની ટીમ જોડાઈ હતી.
દરમિયાન કોન્સ્ટેબલ દેવેન્દ્રભાઈ અને સાગરભાઈને રેલવે પાર્સલ મારફતે શંકાસ્પદ વસ્તુની હેરફેર થતી હોવાની બાતમી મળી હતી. તેના આધારે પોલીસની ટીમે પાર્સલની તપાસ કરતાં રૂ.14,53,100ની કિંમતનો 1,321 કિલો કોપરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ જથ્થો કબજે કરી તપાસ શરૂ કરી હતી.
ઉદય કાર્ગો મારફતે જથ્થો મંગાવાયો હોવાનું સામે આવ્યું
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસ દરમિયાન કોપરનો આ જથ્થો રાજકોટના સંત કબીર રોડ પર આવેલી ઉદય કાર્ગો સર્વિસ દ્વારા મંગાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. વારાણસીથી રેલવે પાર્સલ મારફતે મોકલવામાં આવેલા આ માલ સાથે જરૂરી બિલ ન હોવાની બાબત પણ તપાસમાં સામે આવી છે.
GSTની ભરપાઈ ટાળવાના હેતુથી બિલ વગર માલ મંગાવવામાં આવ્યો હોવાની આશંકા છે. આથી રેલવે પોલીસે GST વિભાગને સાથે રાખીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઉદય કાર્ગોની રેલવેમાં લીઝ, અગાઉ પણ શંકાસ્પદ જથ્થો પકડાયો હોવાની ચર્ચા
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉદય કાર્ગો સર્વિસ પાસે રેલવેના પાર્સલ વિભાગમાં લીઝ છે. આશરે બે મહિના પહેલાં પણ આ કાર્ગો સર્વિસ મારફતે શંકાસ્પદ ધાતુનો જથ્થો પકડાયો હોવાનું સામે આવ્યું છે. આથી અગાઉના બનાવ અને હાલના કેસને ધ્યાનમાં રાખીને વધુ તપાસ કરવામાં આવી રહી છે.
જો તપાસમાં ગેરરીતિની પુષ્ટિ થશે તો કાર્ગો સર્વિસની લીઝ રદ કરવા અંગેની કાર્યવાહી પણ થઈ શકે છે. જોકે, આ અંગે અંતિમ નિર્ણય સંબંધિત રેલવે સત્તાધિકારીઓ દ્વારા લેવામાં આવશે.
પોલીસની ટીમે સંયુક્ત કામગીરી હાથ ધરી
આ કામગીરીમાં રાજકોટ રેલવે પોલીસના એએસઆઇ શક્તિસિંહ, હેડ કોન્સ્ટેબલ સાગરભાઈ, મેહુલભાઈ, મનસુખભાઈ, વિપુલભાઈ, જયવીરસિંહ, વનરાજસિંહ, દિવ્યરાજસિંહ સહિતના કર્મચારીઓ જોડાયા હતા. હાલ કોપરના જથ્થાના દસ્તાવેજો, GST સંબંધિત વિગતો અને માલ મંગાવનારની ભૂમિકા અંગે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.









