કારમાં ગેસ લીકેજને કારણે વિસ્ફોટ થયાની પ્રાથમિક આશંકા; કારના પતરા ઊડતાં આસપાસના લોકોમાં ગભરાટ, ફતેગંજ પોલીસની તપાસ
વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં મધરાત્રે પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગ્યા બાદ જોરદાર બ્લાસ્ટ થતાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં મહિલા સહિત બે લોકોને ઈજા પહોંચી હતી. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે કારના પતરા ઊડી ગયા હતા. બનાવ અંગે ફતેગંજ પોલીસે તપાસ હાથ ધરી છે.
ગેસ લીકેજને કારણે બ્લાસ્ટ થયાની આશંકા
ફતેગંજ પોલીસ સ્ટેશનની પાછળ આવેલા નવાયાર્ડ વિસ્તારમાં ગઈકાલે મધરાત બાદ આ ઘટના બની હતી. જોકે, કારમાં આગ કયા કારણોસર લાગી અને ત્યારબાદ વિસ્ફોટ કેવી રીતે થયો તે અંગે હજુ ચોક્કસ વિગતો સામે આવી નથી. પ્રાથમિક તબક્કે કારમાં આગ લાગ્યા બાદ ગેસ લીકેજ થવાને કારણે બ્લાસ્ટ થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ દોડી આવી
બ્લાસ્ટના કારણે કારના પતરા ઊડી ગયા હતા અને આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનામાં એક મહિલા સહિત બે લોકોને ઈજા પહોંચતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિ સંભાળી હતી.
બ્લાસ્ટનું કારણ જાણવા ફોરેન્સિક તપાસ
ફતેગંજ પોલીસે કારમાં આગ લાગવા અને બ્લાસ્ટ થવા પાછળનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે. આ માટે ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તપાસ બાદ જ વિસ્ફોટનું સાચું કારણ જાણી શકાશે.









