દેવીનગર સોસાયટી અને શાક માર્કેટ વિસ્તારમાં બંધ મકાનો-દુકાનો નિશાન બન્યાં; સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી, CCTVના આધારે પોલીસની તપાસ
છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં બુકાનીધારી તસ્કરોએ એક જ રાતમાં પાંચ સ્થળે તાળાં તોડીને ચકચાર મચાવી દીધી છે. તસ્કરોએ બંધ મકાનો અને દુકાનોને નિશાન બનાવ્યાં હતાં. પાંચ સ્થળે તાળાં તોડ્યા બાદ બે જગ્યાએ ચોરીને અંજામ આપ્યો હતો, જ્યારે અન્ય ત્રણ સ્થળેથી કોઈ કિંમતી સામાન હાથ લાગ્યો નહોતો. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવતાં પોલીસે તસ્કરોને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે.
દેવીનગર સોસાયટી અને શાક માર્કેટ વિસ્તારમાં ચોરી
મળતી માહિતી મુજબ, બોડેલીના દેવીનગર સોસાયટી અને રવિશંકર રોડ પર આવેલા શાક માર્કેટ વિસ્તારમાં રાત્રિના સમયે બુકાનીધારી તસ્કરો ત્રાટક્યા હતા. બંધ મકાનો અને દુકાનોને નિશાન બનાવી તસ્કરોએ એક પછી એક પાંચ સ્થળે તાળાં તોડ્યાં હતાં.
મકાનમાંથી રૂ.10 લાખના દાગીના, દુકાનમાંથી રોકડની ચોરી
દેવીનગર સોસાયટીમાં એક મકાનનું તાળું તોડીને તસ્કરો આશરે રૂ.10 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ઉપરાંત, શાક માર્કેટ વિસ્તારમાં આવેલી એક દુકાનમાંથી રૂ.35 હજારની રોકડ રકમ પણ ચોરી કરવામાં આવી હતી.
આમ, પાંચ સ્થળે તાળાં તોડીને તસ્કરોએ બે સ્થળે ચોરીને અંજામ આપ્યો હતો. અન્ય ત્રણ સ્થળે કોઈ કિંમતી સામાન કે રોકડ રકમ હાથ ન લાગતાં તસ્કરોને ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું.
CCTV ફૂટેજના આધારે પોલીસની તપાસ
ચોરીની ઘટનાઓને પગલે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમે સ્થળ તપાસ હાથ ધરી હતી. CCTV કેમેરામાં કેદ થયેલા બુકાનીધારી શખ્સોની ઓળખ કરી તેમને ઝડપી પાડવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે.
શહેરમાં એક જ રાતમાં પાંચ સ્થળે તાળાં તૂટતાં રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ વધારવાની સ્થાનિકોમાં માંગ ઊઠી છે. પોલીસ દ્વારા તસ્કરોને ઝડપી પાડવા અને ચોરીના બનાવોનો ભેદ ઉકેલવા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.









