સરકારની મંજૂરી બાદ બંને ડેમમાં તબક્કાવાર 4,000 MCFટ પાણી ઠાલવાશે; મેયર ડો. નેહલ શુક્લાએ જણાવ્યું કે દિવાળીમાં પાણીની અછત નહીં રહે
રાજકોટ: ચાલુ વર્ષે રાજકોટમાં અપુરતા વરસાદને કારણે જળાશયોમાં પાણીનો જથ્થો ઘટતાં શહેરમાં પાણીની અછતની ચિંતા ઊભી થઈ હતી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકાર સમક્ષ આજી-1 અને ન્યારી-1 ડેમમાં સૌની યોજના મારફતે પાણી આપવાની રજૂઆત કરવામાં આવી હતી. તેના પગલે આજી-1 ડેમમાં પાણી પહોંચાડવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે, જ્યારે ન્યારી-1 ડેમમાં પણ આગામી એકથી બે દિવસમાં પાણી શરૂ થઈ જશે તેમ મેયર ડો. નેહલ શુક્લાએ જણાવ્યું હતું.
બંને ડેમ માટે 4,000 MCFટ પાણીની માંગણી
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરની પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર પાસે કુલ 4,000 MCFટ પાણીની માંગણી કરવામાં આવી હતી. જેમાં આજી-1 ડેમ માટે 1,900 MCFટ અને ન્યારી-1 ડેમ માટે 2,100 MCFટ પાણીની માગ કરવામાં આવી હતી. મેયર અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવેલી રજૂઆતો બાદ તબક્કાવાર પાણી આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
દિવાળીના તહેવારો દરમિયાન શહેરીજનોને પાણીની ચિંતા ન રહે તે માટે સરકાર અને મહાનગરપાલિકા દ્વારા અગાઉ પણ આશ્વાસન આપવામાં આવ્યું હતું. હવે સૌની યોજનાનું પાણી શરૂ થતાં શહેરના જળસંગ્રહમાં વધારો થવાની આશા છે.
35 દિવસમાં આજી-1 ડેમ ભરાવાની શક્યતા
મેયર ડો. નેહલ શુક્લાના જણાવ્યા અનુસાર, આજી-1 ડેમમાં દરરોજ આશરે 18થી 20 MCFટ પાણી ઠાલવવામાં આવે તો અંદાજે 35 દિવસમાં 29 ફૂટની સપાટીએ ડેમ ભરાઈ શકે છે. આજી-1માં પાણી આપવાની કામગીરી બાદ ન્યારી-1 ડેમમાં પણ પાણી પહોંચાડવામાં આવશે. ન્યારી-1 ડેમની સપાટી 25 ફૂટ છે અને તેને પણ સરકાર દ્વારા પાણીથી ભરવાની વ્યવસ્થા કરવામાં આવશે.
શહેરમાં રોજ 438 MLD પાણીનું વિતરણ
હાલ રાજકોટ શહેરના 18 વોર્ડમાં દરરોજ આશરે 438 MLD પાણીનું વિતરણ કરવામાં આવે છે. શહેરની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને માંગણી મુજબનો 4,000 MCFટ પાણીનો જથ્થો મળી રહે તો આગામી સમયગાળામાં પાણીની સ્થિતિ વધુ હળવી બનવાની અપેક્ષા છે.
પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા મેયરની અપીલ
ડેમમાં પાણીનો જથ્થો વધારવાની કામગીરી ચાલી રહી હોવા છતાં મેયર ડો. નેહલ શુક્લાએ નાગરિકોને પાણીનો ઉપયોગ સંયમપૂર્વક કરવા અપીલ કરી છે. તેમણે ખાસ કરીને પાણીનો બગાડ ન કરવા અને મહાનગરપાલિકા તથા સરકારના પ્રયાસોમાં સહકાર આપવા શહેરીજનોને અનુરોધ કર્યો છે.









