એક જ દિવસમાં 1,125 કેસ પકડી રૂ.12.07 લાખની આવક મેળવી; મે 2022નો જૂનો રેકોર્ડ પણ તૂટ્યો
પશ્ચિમ રેલવેના ભાવનગર રેલવે મંડળે ટિકિટ ચેકિંગ અભિયાનમાં નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. 4 નવેમ્બર, 2026ના રોજ મંડળે એક જ દિવસમાં વિના ટિકિટે અને અનિયમિત રીતે મુસાફરી કરતા 1,125 મુસાફરો સામે કાર્યવાહી કરીને રૂ.12.07 લાખની રેકોર્ડ આવક મેળવી હતી. ભાવનગર રેલવે મંડળના ઇતિહાસમાં એક દિવસમાં ટિકિટ ચેકિંગ દ્વારા મેળવાયેલી આ અત્યાર સુધીની સૌથી વધુ આવક હોવાનું રેલવે પ્રશાસને જણાવ્યું છે.
48 કલાકમાં રૂ.23.68 લાખની વસૂલાત
ભાવનગર રેલવે મંડળે માત્ર 48 કલાકમાં પોતાનો જ રેકોર્ડ તોડી નવો વિક્રમ નોંધાવ્યો છે. અગાઉ 2 નવેમ્બર, 2026ના રોજ ટિકિટ ચેકિંગ દરમિયાન રૂ.11.61 લાખની આવક મેળવી હતી. ત્યારબાદ 4 નવેમ્બરે રૂ.12.07 લાખની આવક સાથે અગાઉનો રેકોર્ડ તૂટી ગયો હતો.
આ બંને દિવસ દરમિયાન કુલ 2,323 કેસ નોંધવામાં આવ્યા હતા અને રેલવે પ્રશાસને રૂ.23.68 લાખની આવક મેળવી હતી. આ સાથે મે 2022માં એક જ દિવસમાં રૂ.9.50 લાખની આવક મેળવવાનો જૂનો રેકોર્ડ પણ પાછળ રહી ગયો છે.
માન્ય ટિકિટ સાથે મુસાફરી કરવા મુસાફરોને અપીલ
રેલવે પ્રશાસનના જણાવ્યા મુજબ, આ વિશેષ ટિકિટ ચેકિંગ અભિયાનનો હેતુ માત્ર દંડ વસૂલવાનો કે આવક વધારવાનો નથી. પરંતુ વિના ટિકિટ અને અનિયમિત મુસાફરી પર નિયંત્રણ લાવી નિયમિત ટિકિટ ધરાવતા મુસાફરોને કોઈ અસુવિધા ન થાય તે સુનિશ્ચિત કરવાનો છે.
રેલવે દ્વારા મુસાફરોને હંમેશાં માન્ય ટિકિટ સાથે જ મુસાફરી કરવા અપીલ કરવામાં આવી છે. નિયમોનું પાલન કરવાથી મુસાફરી વ્યવસ્થા વધુ સુચારુ બને છે અને અન્ય મુસાફરોના હિતોનું પણ રક્ષણ થાય છે.









