પશ્ચિમ ઝોનના બે ઈજારામાં કરોડો રૂપિયાનો વધારો કરવાની તૈયારી; દક્ષિણ ઝોનનાં બે કામમાં અંદાજ કરતાં 13થી 14 ટકા વધુ ભાવ રજૂ
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગમાં પાણીની લાઈનો નાખવા અને એર વાલ્વ બદલવાના કામોમાં નાણાકીય મર્યાદા વધારવા તેમજ અંદાજિત ખર્ચ કરતાં ઊંચા ભાવે કામ આપવાની દરખાસ્તો રજૂ થતાં વિવાદ સર્જાયો છે. પશ્ચિમ ઝોનમાં અગાઉ ફાળવાયેલા વાર્ષિક ઈજારાઓની મર્યાદામાં ફરી વધારો કરવાની દરખાસ્ત છે, જ્યારે દક્ષિણ ઝોનનાં બે કામમાં કોન્ટ્રાક્ટરોએ અંદાજ કરતાં 13થી 14 ટકા વધુ ભાવ રજૂ કર્યા છે.
જગદીશ આર. પટેલનો ઈજારો રૂ.50 લાખથી વધીને રૂ.2.40 કરોડ થશે
પશ્ચિમ ઝોનમાં વર્ષ 2024-25 દરમિયાન પાણીની લાઈનો નાખવાના કામ માટે જગદીશ આર. પટેલને રૂ.50 લાખની નાણાકીય મર્યાદામાં વાર્ષિક ઈજારો આપવામાં આવ્યો હતો. ત્યારબાદ બે તબક્કામાં આ મર્યાદામાં અનુક્રમે રૂ.50 લાખ અને રૂ.70 લાખનો વધારો કરવામાં આવ્યો હતો.
હવે નવો ઈજારો આપવામાં ન આવે ત્યાં સુધી હાલના ઈજારાની સમયમર્યાદા લંબાવવા અને વધુ રૂ.70 લાખની નાણાકીય મર્યાદા વધારવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આ દરખાસ્ત મંજૂર થાય તો મૂળ રૂ.50 લાખનો ઈજારો વધારા સાથે કુલ રૂ.2.40 કરોડ સુધી પહોંચી જશે.
ઓનેસ્ટ એન્જિનિયર્સની મર્યાદા રૂ.1.50 કરોડ કરવાની દરખાસ્ત
પશ્ચિમ ઝોનમાં જ પાણીની લાઈનો નાખવાના કામ માટે ઓનેસ્ટ એન્જિનિયર્સને પણ વર્ષ 2024-25માં રૂ.50 લાખની નાણાકીય મર્યાદામાં વાર્ષિક ઈજારો ફાળવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમાં રૂ.50 લાખનો વધારો કરવામાં આવ્યો હતો.
હવે નવો ઈજારો ન થાય ત્યાં સુધી સમયમર્યાદા લંબાવવા અને વધુ રૂ.50 લાખની મર્યાદા વધારવાની દરખાસ્ત રજૂ થઈ છે. આ દરખાસ્તને મંજૂરી મળે તો ઈજારાની કુલ નાણાકીય મર્યાદા રૂ.1.50 કરોડ થશે.
દક્ષિણ ઝોનમાં પાણીની લાઈનનું કામ 14.11 ટકા વધુ ભાવે
દક્ષિણ ઝોનમાં નવી પાણીની લાઈન નાખવા માટે મનપાએ રૂ.75 લાખના અંદાજિત ખર્ચથી ભાવપત્રો મંગાવ્યાં હતાં. તેમાં બરોડા સેનિટેશન દ્વારા અંદાજિત ભાવ કરતાં 14.11 ટકા વધુ એટલે કે રૂ.85,58,250નો ભાવ રજૂ કરવામાં આવ્યો છે.
આ મુજબ, આ કામ માટે અંદાજ કરતાં રૂ.10,58,250નો વધારાનો ખર્ચ થશે. આ દરખાસ્ત મંજૂરી માટે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે.
એર વાલ્વ બદલવાના કામમાં પણ 13.75 ટકા વધુ ભાવ
પાણીના મુખ્ય સ્ત્રોતોથી વિતરણ મથકો સુધી પાણી પહોંચાડતી મુખ્ય લાઈનો પર લગાવેલા એર વાલ્વ બદલવાની કામગીરી માટે પણ ઊંચો ભાવ રજૂ થયો છે. આ કામ માટે ઓનેસ્ટ એન્જિનિયર્સે અંદાજિત રૂ.74,63,472 સામે 13.75 ટકા વધુ એટલે કે રૂ.84,89,699નો ભાવ આપ્યો છે.
પરિણામે આ કામગીરીમાં અંદાજ કરતાં રૂ.10,26,227નો વધારાનો ખર્ચ થવાની શક્યતા છે. આ કામ માટે સલાહકાર તરીકે રાય ઇન્દ્રા પ્રાઇવેટ લિમિટેડને રૂ.85,801 ચૂકવવાની દરખાસ્ત પણ રજૂ કરવામાં આવી છે.
સ્થાયી સમિતિના નિર્ણય પર નજર
પાણી પુરવઠા વિભાગની આ દરખાસ્તો સામે નાણાકીય મર્યાદામાં વારંવાર વધારો અને અંદાજ કરતાં ઊંચા ભાવે કામ આપવાના મુદ્દે સવાલો ઊભા થયા છે. હવે સ્થાયી સમિતિ આ દરખાસ્તોને મંજૂરી આપે છે કે નહીં અને વધારાના ખર્ચ અંગે શું નિર્ણય લે છે તેના પર નજર રહેશે.









