કેગ દ્વારા દેશવ્યાપી ઓડિટ શરૂ; ખાતરની ગેરકાયદે હેરાફેરી અને વિદેશમાં મોકલવાના કથિત કૌભાંડની તપાસ આવતા વર્ષના મધ્ય સુધીમાં પૂર્ણ થવાની શક્યતા
દેશમાં સબસિડીવાળા ખાતરની મોટા પાયે ગેરકાયદે હેરાફેરી કરી તેને બારોબાર વિદેશમાં મોકલવાના કથિત કૌભાંડની કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ) દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ગુજરાતના 14 સહિત દેશના કુલ 169 જિલ્લાઓમાં ઓલ ઈન્ડિયા પરફોર્મન્સ ઓડિટ શરૂ કરવામાં આવ્યું છે. તપાસ આવતા વર્ષના મધ્ય સુધીમાં પૂર્ણ થવાની અને તેનો અહેવાલ સંસદના શિયાળુ સત્રમાં રજૂ થવાની સંભાવના છે.
વાર્ષિક રૂ.2 લાખ કરોડની સબસિડી પર નજર
કેન્દ્ર સરકાર ખાતર પર દર વર્ષે આશરે રૂ.2 લાખ કરોડની સબસિડી ચૂકવે છે. કેટલાક જિલ્લાઓમાં ખાતરના વપરાશનું પ્રમાણ સરેરાશ કરતાં ઘણું વધારે જોવા મળતાં સરકારનું ધ્યાન આ તરફ ગયું હતું. હવે કેગ દ્વારા ખાતરની માગ અને સબસિડીની જરૂરિયાતનું ઓડિટ કરવામાં આવશે.
શરૂઆતમાં વધુ પડતા વપરાશના આધારે 149 જિલ્લાઓની પસંદગી કરવામાં આવી હતી. ત્યારબાદ કેન્દ્ર સરકારની ભલામણથી વધુ 20 જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આમ, તપાસ હેઠળના જિલ્લાઓની કુલ સંખ્યા 169 થઈ છે.
ટ્રાન્સપોર્ટેશનથી લઈને મોનિટરિંગ સુધી તપાસ
કેગ દ્વારા ખાતરની હેરફેરની સમગ્ર વ્યવસ્થાની તપાસ કરવામાં આવશે. તેમાં ખાતરના પરિવહન, ટ્રાન્સપોર્ટેશન સબસિડી, દેખરેખ અને મોનિટરિંગ જેવી પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. તપાસ માટે જીએસટી નેટવર્ક, કૃષિ મંત્રાલય, રેલવે સહિતના વિભાગોનો સહયોગ લેવામાં આવશે.
ઈ-વે બિલના આધારે ખાતર ભરેલા ટ્રકોને ગેરકાયદે રીતે અન્યત્ર મોકલી દેવાના કેટલાક કિસ્સાઓ નાણાં મંત્રાલયના ધ્યાનમાં આવ્યા હોવાનું પણ જણાવાયું છે.
ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ 37 જિલ્લાઓનો સમાવેશ
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસ હેઠળના જિલ્લાઓમાં સૌથી વધુ 37 જિલ્લાઓ ઉત્તરપ્રદેશના છે. બિહાર અને તમિલનાડુના 16-16, જ્યારે પંજાબ અને ગુજરાતના 14-14 જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નવા ઉમેરાયેલા 20 જિલ્લાઓ કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં આવેલા છે.
ખાતરની આયાત અને ગેસના ખર્ચ પર પણ અસર
ભારતમાં દર વર્ષે આશરે 400 લાખ ટન ખાતરનો વપરાશ થાય છે. સ્થાનિક ઉત્પાદન પૂરતું ન હોવાથી લગભગ 100 લાખ ટન ખાતરની આયાત કરવામાં આવે છે. બીજી તરફ, દેશમાં ખાતરનું ઉત્પાદન કરવા માટે પણ મોટા પ્રમાણમાં એલપીજીની જરૂર પડે છે.
સબસિડીવાળા ખાતરના બિનજરૂરી કે વધુ પડતા વપરાશથી એક તરફ સરકારના ગેસ ખર્ચ પર બોજ વધે છે, તો બીજી તરફ ખાતરની આયાત પાછળના ખર્ચમાં પણ વધારો થાય છે. તેથી કેગની આ તપાસમાં ખાતરની હેરફેર અને સબસિડીના ઉપયોગ અંગે મહત્ત્વની વિગતો બહાર આવે તેવી શક્યતા છે.










