સત્તાવાર પ્રારંભને હજુ ત્રણ દિવસ બાકી, છતાં તળેટીમાં ‘જય ગિરનારી’ના નાદ ગુંજ્યા; સેવાભાવી સંસ્થાઓએ ભોજન અને પ્રસાદની વ્યવસ્થા શરૂ કરી
જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાને હવે માત્ર ત્રણ દિવસ બાકી છે, ત્યારે ભવનાથ તળેટીમાં અત્યારથી જ ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. પરિક્રમાના સત્તાવાર પ્રારંભ પહેલાં જ રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ અને યાત્રિકોનું આગમન શરૂ થઈ ગયું છે. ‘જય ગિરનારી’ના નાદ સાથે ભવનાથ તળેટી યાત્રિકોથી ધમધમી ઊઠી છે.
તળેટીમાં જ શ્રદ્ધાળુઓએ નાખ્યા પડાવ
પરિક્રમા શરૂ થાય તે પહેલાં જ પહોંચી ગયેલા અનેક ભાવિકોએ તળેટીમાં વૃક્ષોની છાયામાં અને ખુલ્લા આકાશ નીચે પોતાના જૂથ સાથે પડાવ નાખ્યા છે. કેટલાક શ્રદ્ધાળુઓ ચૂલા પર જાતે જ ભોજન અને પ્રસાદ તૈયાર કરી રહ્યા છે, તો કેટલાક પરિક્રમાની શરૂઆતની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. કુદરતના ખોળે ભક્તિ અને ભોજનની તૈયારીઓ સાથે તળેટીમાં મેળા જેવો માહોલ સર્જાયો છે.
અન્નક્ષેત્રોમાં ભોજન-પ્રસાદની સેવા શરૂ
પરિક્રમાર્થીઓની સેવા માટે વિવિધ અન્નક્ષેત્રો અને સેવાભાવી સંસ્થાઓ પણ સક્રિય થઈ ગઈ છે. બહારગામથી આવતા યાત્રિકો માટે ગરમાગરમ ભોજન અને પ્રસાદની વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવી છે. અન્નક્ષેત્રોમાં સ્વયંસેવકો દ્વારા શાકભાજી, લીલાં મરચાં અને લસણ સમારવા સહિતની તૈયારીઓ ચાલી રહી છે. સાથે જ ગાંઠિયા અને અન્ય ફરસાણ બનાવવાની કામગીરી પણ રાતના સમયે ધમધમી રહી છે.
પાણી, લાઈટ અને રસોઈની સામગ્રીની વ્યવસ્થા
મોટી સંખ્યામાં આવતા યાત્રિકોની સેવા માટે અન્નક્ષેત્રોમાં અનાજ, કઠોળ, તેલ, મોટા તપેલાં, કડાઈ અને રસોઈ માટેના લાકડાંનો જથ્થો એકત્ર કરવામાં આવ્યો છે. યાત્રિકોને પીવાના પાણીની મુશ્કેલી ન પડે તે માટે પાણીનાં ટેન્કરોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત રાત્રિના સમયે સુવિધા જળવાઈ રહે તે માટે લાઈટિંગની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.
વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ
સત્તાવાર પરિક્રમાને હજુ ત્રણ દિવસ બાકી હોવા છતાં ભવનાથમાં અત્યારથી જ યાત્રિકોની હાજરી વધી રહી છે. આ વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડવાની શક્યતા વચ્ચે યાત્રિકોની સુરક્ષા, આરોગ્ય અને અન્ય સુવિધાઓ જળવાઈ રહે તે માટે વહીવટી તંત્ર તથા વિવિધ સેવા મંડળો દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ભવનાથ તળેટીમાં અત્યારે જ ભક્તિ, સેવા અને ઉત્સાહનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે.









