અમદાવાદમાં ભારે વાહનોના બે અકસ્માત : આધેડ અને 24 વર્ષીય યુવકનાં મોત, ચાર ઘાયલ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભુલાભાઈ ચાર રસ્તા પાસે આઈશરે રિક્ષાને અડફેટે લીધી, નરોડા એસપી રિંગ રોડ પર ટ્રકની ટક્કરે યુવકનું મોત; બંને ચાલકો સામે પોલીસ કાર્યવાહી

અમદાવાદ: શહેરમાં ભારે વાહનોની બેફામ હંકારના કારણે બે અલગ-અલગ અકસ્માતમાં બે પરિવારોના માળા વિખેરાયા છે. ભુલાભાઈ ચાર રસ્તા અને નરોડા એસપી રિંગ રોડ પર બનેલી દુર્ઘટનાઓમાં 58 વર્ષીય ખલીલ અહેમદ શેખ અને 24 વર્ષીય વિશાલ ચૌહાણનું મોત નીપજ્યું છે. જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે. બંને બનાવમાં આઈશર અને ટ્રકની ટક્કરથી ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટ્રાફિક પોલીસે ગુના નોંધી ફરાર વાહનચાલકોની શોધખોળ હાથ ધરી છે.

ભુલાભાઈ ચાર રસ્તા પાસે આઈશરની રિક્ષાને ટક્કર

દાણીલીમડાની નબીનગર સોસાયટીમાં રહેતાં જુલેખાબેન ખલીલ અહેમદ શેખ (ઉંમર 47) તેમના પતિ ખલીલ અહેમદ અલ્લાહબક્ષ શેખ (ઉંમર 58) અને 12 વર્ષીય પૌત્રી સાથે શનિવારે સાંજે પ્રેમદરવાજા ખાતે લગ્નપ્રસંગમાં ગયાં હતાં. રવિવારે વહેલી સવારે તેઓ પેસેન્જર ઓટોરિક્ષામાં ઘરે પરત ફરી રહ્યાં હતાં.

તેમની રિક્ષા એસટી ગીતા મંદિર ચાર રસ્તાથી શાહઆલમ તરફના માર્ગ પર ભુલાભાઈ ચાર રસ્તા પાસે પહોંચી ત્યારે પાછળથી પૂરઝડપે આવી રહેલા આઈશરચાલકે રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કરના કારણે રિક્ષા પલટી ખાઈ ગઈ હતી.

ખલીલ અહેમદનું સારવાર દરમિયાન મોત

અકસ્મતમાં ખલીલ અહેમદ શેખને છાતી અને પાંસળીના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. જુલેખાબેનને પગ અને કમરના ભાગે ઈજા પહોંચી હતી. જ્યારે રિક્ષાચાલક મોહસીન, તેનો મિત્ર સાહિલ મોહમદ અને 12 વર્ષીય બાળકી પણ ઈજાગ્રસ્ત થયાં હતાં.

ઘટના બાદ ઈજાગ્રસ્તોને બે અલગ-અલગ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યાં હતાં. સારવાર દરમિયાન સવારે 7:30 વાગ્યે ફરજ પરના તબીબે ખલીલ અહેમદને મૃત જાહેર કર્યા હતા. જુલેખાબેનને વધુ સારવાર માટે ઉસ્માનપુરા સ્થિત ખેતેશ્વર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ બનાવમાં ટ્રાફિક પોલીસે આઈશરચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

નરોડા એસપી રિંગ રોડ પર ટ્રકની ટક્કરે યુવકનું મોત

અકસ્માતની બીજી ઘટના નરોડા એસપી રિંગ રોડ પર સ્ટાર એમ્પાયર સામે બની હતી. સૈજપુર બોઘા વિસ્તારમાં રહેતા ધનપાલસિંહ લહુરીસિંહ ચૌહાણનો 24 વર્ષીય પુત્ર વિશાલ મેમકો નજીક આવેલી મારુતિ એસ્ટેટમાં નોકરી કરતો હતો.

રવિવારે રાત્રે વિશાલ સ્ટાર એમ્પાયર સામે રસ્તો ક્રોસ કરી રહ્યો હતો. તે સમયે દાસ્તાન સર્કલ તરફથી પૂરઝડપે આવી રહેલા ટ્રકચાલકે તેને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર વાગતાં વિશાલ રસ્તા પર પટકાયો હતો અને માથા, મોઢા તેમજ હાથ-પગ સહિત શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતમાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

ટ્રકચાલક ફરાર, પોલીસે તપાસ તેજ કરી

અકસ્મात સર્જ્યા બાદ ટ્રકચાલક વાહન સાથે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. મૃતકના પિતા ધનપાલસિંહ ચૌહાણની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.

શહેરમાં એક જ રાત્રિ દરમિયાન બનેલા બે અકસ્માતમાં બે લોકોનાં મોત અને ચાર લોકો ઈજાગ્રસ્ત થતાં ભારે વાહનોની અવરજવર અને માર્ગ સલામતી અંગે ફરી સવાલો ઊભા થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai