મોરબી LCBની કાર્યવાહી, બોલેરો અને કિયા સહિત રૂ. 14.30 લાખનો મુદ્દામાલ જપ્ત; ત્રણ શખ્સોની ધરપકડ
મોરબી: વાંકાનેર વિસ્તારમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. મોરબી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમે રાતીદેવરી ગામ નજીક વોચ ગોઠવીને દારૂ ભરેલી બોલેરો અને તેને પાયલોટિંગ પૂરું પાડતી કિયા કાર ઝડપી પાડી હતી. બોલેરોમાંથી 600 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બંને વાહનો, દારૂ અને બે મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 14.30 લાખનો મુદ્દામાલ કબજે કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
બાતમીના આધારે LCBએ ગોઠવી વોચ
મોરબી જિલ્લા LCBની ટીમ વાંકાનેર સિટી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન રાતીદેવરી ગામ તરફથી મોરબી તરફ દેશી દારૂનો જથ્થો લઈ આવવામાં આવનાર હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ માહિતીના આધારે પોલીસે રાતીદેવરી ગામ નજીક વોચ ગોઠવી હતી.
બોલેરોમાંથી 600 લિટર દારૂ મળી આવ્યો
બાતમી મુજબની જીજે-36-વી-3548 નંબરની બોલેરો પસાર થતાં પોલીસે તેને રોકીને તપાસ કરી હતી. તપાસ દરમિયાન બોલેરોમાંથી 600 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ બોલેરોને જીજે-36-એઆર-3167 નંબરની કિયા કાર પાયલોટિંગ પૂરું પાડી રહી હોવાનું પણ સામે આવ્યું હતું.
પોલીસે દારૂ ભરેલી બોલેરો, પાયલોટિંગ કરતી કિયા કાર, 600 લિટર દેશી દારૂ અને બે મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 14.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ત્રણ આરોપીઓની ધરપકડ
આ કાર્યવાહી દરમિયાન પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. જેમાં અરવિંદ મુકેશભાઈ સોલંકી અને સન્ની શાંતિભાઈ કડેવાર (બંને રહે. સનાળા ગામ, લાયન્સનગરની બાજુમાં, મોરબી) તેમજ પ્રકાશ જયંતીભાઈ કુંઢીયા (રહે. ભીમસર, મોરબી)નો સમાવેશ થાય છે.
આ મામલે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.










