ધ્રોળ માર્કેટિંગ યાર્ડ પાસે ટ્રકની કારને પાછળથી ટક્કર : ચાર મુસાફરોનો બચાવ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

જામનગર-રાજકોટ હાઈવે પર સેલેરિયો કારને ભારે નુકસાન; પુત્રીને હોસ્ટેલ મૂકવા જતો પરિવાર અકસ્માતમાં માંડ બચ્યો

જામનગર: જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોળ માર્કેટિંગ યાર્ડ સામે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલા અશોક લેલન ટ્રકના ચાલકે સેલેરિયો કારને પાછળથી જોરદાર ટક્કર મારતાં કારને ભારે નુકસાન થયું હતું. જોકે, કારમાં સવાર ચારેય વ્યક્તિનો સદનસીબે આબાદ બચાવ થયો હતો. બનાવ અંગે ધ્રોળ પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

પુત્રીને હોસ્ટેલ મૂકવા પરિવાર રાજકોટ તરફ જતો હતો

પ્રાપ્ત વિગતો મુજબ, જામનગરના રામેશ્વરનગરમાં રહેતા અને મિસ્ત્રીકામ કરતા મનસુખભાઈ નરશીભાઈ ગોહિલ (ઉંમર 51) ગઈકાલે સવારે આશરે 11:30 વાગ્યે પોતાની માતા મોંઘીબેન, પત્ની કંચનબેન અને પુત્રી ધારાબેન સાથે ભાઈની મારુતિ સુઝુકી સેલેરિયો કાર (જીજે-10-સીજી-7453) લઈને રાજકોટ જિલ્લાના ત્રંબા ગામે પુત્રીને હોસ્ટેલમાં મૂકવા નીકળ્યા હતા.

રસ્તામાં હાપા મેલડી માતાજીના મંદિરે દર્શન કર્યા બાદ પરિવાર ધ્રોળ માર્કેટિંગ યાર્ડ સામે પહોંચ્યો હતો. આ દરમિયાન જામનગર તરફથી પૂરઝડપે આવી રહેલા અશોક લેલન ટ્રક (જીજે-06-એટી-7738)ના ચાલકે કારને પાછળથી જોરદાર ટક્કર મારી હતી.

ટ્રકનું સેફ્ટી એંગલ કારમાં ઘૂસી ગયું

અકસ્મતમાં કારની ડ્રાઇવર સાઇડનો પાછળનો બમ્પર અને આખો પાછળનો ભાગ ઘસાઈને નુકસાનગ્રસ્ત થયો હતો. ટ્રકની ડાબી બાજુનું સેફ્ટી એંગલ કારની અંદર ઘૂસી જતાં કારના આગળના ભાગને પણ નુકસાન પહોંચ્યું હતું. જોકે, મનસુખભાઈ સહિત કારમાં સવાર ચારેય વ્યક્તિને કોઈ ઈજા થઈ નહોતી.

112 પર જાણ કરતાં પોલીસ પહોંચી

અકસ્મात બાદ મનસુખભાઈએ 112 નંબર પર જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. મનસુખભાઈ ગોહિલની ફરિયાદના આધારે ધ્રોળ પોલીસ મથકમાં ટ્રકચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 281 તેમજ મોટર વાહન અધિનિયમની કલમ 177 અને 184 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai