10 દિવસમાં બીજી ઘટના; સચિન નજીક અજાણ્યા શખ્સે ફેંકેલો પથ્થર બારી સાથે અથડાયો, સદનસીબે કોઈ મુસાફરને ઈજા નહીં
ગુજરાતમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર ફરી એકવાર પથ્થરમારાની ઘટના સામે આવી છે. ગાંધીનગરથી મુંબઈ જતી ટ્રેન પર સુરત અને નવસારી વચ્ચે સચિન રેલવે સ્ટેશન નજીક અજાણ્યા શખ્સે પથ્થર ફેંક્યો હતો. પથ્થર વાગવાથી ટ્રેનના E-4 કોચની બારીનો બહારનો કાચ તૂટી ગયો હતો. જોકે, અંદરનો કાચ સુરક્ષિત રહેતાં કોઈ મુસાફરને ઈજા થઈ નહોતી. માત્ર 10 દિવસમાં બીજી વખત આવી ઘટના બનતાં ટ્રેનની સુરક્ષાને લઈને ચિંતા વધી છે.
સાંજે 5:23 વાગ્યે સચિન નજીક પથ્થરમારો
મળતી માહિતી મુજબ, મંગળવાર, 17 નવેમ્બરના રોજ સાંજે આશરે 5:23 વાગ્યે વંદે ભારત એક્સપ્રેસ સુરતથી નવસારી તરફ જઈ રહી હતી. આ દરમિયાન સચિન રેલવે સ્ટેશન નજીક અજાણ્યા શખ્સે ચાલતી ટ્રેનને નિશાન બનાવી પથ્થર ફેંક્યો હતો. પથ્થર સીધો E-4 કોચની બારી સાથે અથડાતાં બહારનો કાચ તૂટી ગયો હતો.
મુસાફરોમાં ગભરાટ, સદનસીબે કોઈ ઈજા નહીં
પથ્થર બારી સાથે અથડાતાં કોચમાં બેઠેલા મુસાફરો અચાનક અવાજથી ગભરાઈ ગયા હતા. જોકે, બારીનો અંદરનો કાચ તૂટ્યો ન હોવાથી પથ્થરના ટુકડા કોચની અંદર પ્રવેશ્યા નહોતા અને કોઈ મુસાફરને ઈજા થઈ નહોતી. મોટી દુર્ઘટના ટળી જતાં મુસાફરોએ રાહત અનુભવી હતી.
RPF અને રેલવે અધિકારીઓની તપાસ
ઘટનાની જાણ થતાં રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને રેલવે વિભાગના અધિકારીઓએ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. આ મામલે સચિન પોલીસ સ્ટેશન અને RPF દ્વારા અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. પથ્થરમારો કરનાર વ્યક્તિની ઓળખ અને તેને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.
10 દિવસમાં બીજી ઘટના બનતાં સુરક્ષા સામે સવાલ
વંદે ભારત ટ્રેન પર ટૂંકા સમયગાળામાં બીજી વખત પથ્થરમારાની ઘટના બનતાં મુસાફરોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે. ચાલતી ટ્રેન પર પથ્થર ફેંકવાની આવી હરકતથી મુસાફરોના જીવ જોખમમાં મુકાઈ શકે છે. રેલવે સુરક્ષા દળ દ્વારા જવાબદારોને શોધી તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઊઠી છે.










