રાજકોટમાં આરોગ્ય વીમા દાવા 511% વધ્યા; વલસાડમાં સૌથી વધુ 9 ગણો ઉછાળો, અમદાવાદમાં સૌથી વધુ 561 કેસ નોંધાયા
હવાનું પ્રદૂષણ હવે માત્ર પર્યાવરણ કે શ્વસનતંત્રની સમસ્યા પૂરતું મર્યાદિત રહ્યું નથી, પરંતુ તેની અસર લોકોના આરોગ્યની સાથે આર્થિક ખર્ચ પર પણ જોવા મળી રહી છે. ગુજરાતમાં પ્રદૂષણ સાથે સંકળાયેલા આરોગ્ય વીમાના દાવાઓમાં છેલ્લા ત્રણ વર્ષમાં સરેરાશ 3.7 ગણો વધારો થયો છે. રાજકોટમાં આવા દાવામાં 511 ટકાનો મોટો ઉછાળો નોંધાયો છે, જ્યારે વલસાડમાં દાવાની સંખ્યા નવ ગણી થઈ હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.
છ જિલ્લાઓમાં દાવાની સંખ્યા 408થી વધીને 1,505
પોલિસીબજારના અહેવાલ મુજબ, ગુજરાતના છ જિલ્લાઓમાં પ્રદૂષણ સંબંધિત આરોગ્ય વીમા દાવાની સંખ્યા વર્ષ 2023માં 408 હતી, જે વર્ષ 2026માં વધીને 1,505 થઈ છે. વર્ષ 2026માં અમદાવાદમાં સૌથી વધુ 561 દાવા નોંધાયા હતા. વડોદરા અને સુરતમાં 367-367 જ્યારે રાજકોટમાં 104 દાવા નોંધાયા હતા.
વલસાડમાં વર્ષ 2023 દરમિયાન માત્ર 6 દાવા નોંધાયા હતા, જે 2026માં વધીને 62 થયા છે. આ રીતે ટકાવારીની દૃષ્ટિએ વલસાડમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે.
38 ટકા દાવા શ્વસનતંત્રની બીમારીઓના
કંપનીએ ગુજરાતમાં આશરે 4,000 કેસોનું વિશ્લેષણ કર્યું હતું, જ્યારે સમગ્ર ભારતમાં 94,000 કેસોના આધારે અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેમાં જાણવા મળ્યું કે આરોગ્ય વીમાના કુલ દાવાઓમાંથી 38 ટકા શ્વસનતંત્રની બીમારીઓ સાથે સંબંધિત હતા. 32 ટકા દાવા હૃદય અને ધમનીઓની બીમારીઓના, જ્યારે 17 ટકા ન્યુમોનિયાના હતા.
આમ, વીમા હેઠળ નોંધાયેલા દર 10માંથી આશરે 7 કેસ શ્વસનતંત્ર અથવા હૃદય સંબંધિત બીમારીઓ સાથે જોડાયેલા હોવાનું વિશ્લેષણમાં સામે આવ્યું છે.
ઓક્ટોબરથી માર્ચ દરમિયાન સૌથી વધુ દાવા
પોલિસીબજારના આરોગ્ય વીમા વિભાગના વડા સિદ્ધાર્થના જણાવ્યા મુજબ, પ્રદૂષણ સંબંધિત આરોગ્ય વીમાના 55થી 60 ટકા દાવા ઓક્ટોબરથી માર્ચ દરમિયાન નોંધાયા હતા. આ સમયગાળામાં સામાન્ય રીતે હવાની ગુણવત્તા વધુ ખરાબ રહેતી હોય છે.
ઉંમર પ્રમાણે જોવામાં આવે તો કુલ દાવામાંથી 67 ટકા દાવા 31થી 55 વર્ષની વયજૂથના લોકોના હતા. 23 ટકા દાવા 55 વર્ષથી વધુ ઉંમરના લોકોના હતા. જ્યારે 21થી 30 વર્ષની વયજૂથનો હિસ્સો 8 ટકા અને 20 વર્ષથી ઓછી ઉંમરના લોકોનો હિસ્સો 3 ટકા રહ્યો હતો.
ફટાકડા સહિતનાં કારણોથી હવાની ગુણવત્તા બગડવાની ચિંતા
તબીબી નિષ્ણાતોના જણાવ્યા મુજબ, દિવાળી દરમિયાન ફટાકડાના ધુમાડા ઉપરાંત વાહનોનો ધુમાડો, ઔદ્યોગિક ઉત્સર્જન અને અન્ય પ્રદૂષક તત્ત્વોને કારણે હવાની ગુણવત્તા ખરાબ થાય છે. તેના પરિણામે શ્વસનતંત્રની બીમારીઓમાં વધારો થઈ શકે છે. પ્રદૂષણની વધતી અસર હવે આરોગ્ય વીમાના દાવામાં પણ પ્રતિબિંબિત થઈ રહી છે, જે જાહેર આરોગ્ય અને આર્થિક ખર્ચ બંને માટે ચિંતાનો વિષય છે.










