FDCAની કાર્યવાહી સામે વડોદરાની કંપની ગુજરાત હાઈકોર્ટમાં; તપાસમાં એક વર્ષમાં આશરે 2,600 ઇન્જેક્શનના વેચાણ સહિતની ગંભીર ક્ષતિઓ સામે આવી
સ્થૂળતા અને વજન ઘટાડવા માટે ઉપયોગમાં લેવાતી પ્રખ્યાત દવા ‘માઉન્જારો’ (Mounjaro) નિષ્ણાત ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચવાના મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA)એ વડોદરા સ્થિત મેડિકામેન્ટ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડનું દવા વેચાણનું લાયસન્સ રદ કર્યું છે. FDCAના આ નિર્ણયને પડકારતી કંપનીએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. હાઈકોર્ટે આ મામલે FDCA સહિત સંબંધિત સત્તાવાળાઓને કારણદર્શક નોટિસ પાઠવી છે અને વધુ સુનાવણી આગામી સપ્તાહ પર મુલતવી રાખી છે.
લાયસન્સ રદ કરવાનો નિર્ણય પડકાર્યો
પ્રાપ્ત વિગતો મુજબ, FDCA દ્વારા લાયસન્સ રદ કરવામાં આવ્યા બાદ કંપનીએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સચિવ સમક્ષ અપીલ કરી હતી. જોકે, આ અપીલ ફગાવી દેવામાં આવતાં કંપનીએ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. કંપનીએ પોતાની અરજીમાં દલીલ કરી છે કે સત્તાવાળાઓએ નિયત કાનૂની પ્રક્રિયાનું યોગ્ય પાલન કર્યા વિના લાયસન્સ રદ કરવાનો નિર્ણય લીધો છે.
દવાના બિલમાં ડોક્ટર અને દર્દીનાં સરનામાંનો અભાવ
બીજી તરફ, FDCAની તપાસમાં દવાના વેચાણ સંબંધિત બિલોમાં ડોક્ટર અને દર્દીનાં સંપૂર્ણ સરનામાંનો સ્પષ્ટ ઉલ્લેખ ન હોવાનું સામે આવ્યું હતું. આ ખામીને કારણે દવાની સપ્લાય ક્યાં થઈ અને કોને વેચવામાં આવી તેની વિગતો મેળવવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. દવાની ટ્રેસેબિલિટી જાળવવા માટે જરૂરી વિગતોનો અભાવ તપાસમાં મહત્ત્વનો મુદ્દો બન્યો હતો.
નિષ્ણાતના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણનો આક્ષેપ
માઉન્જારો ક્વિકપેન ઇન્જેક્શનના પ્રોડક્ટ લેબલ મુજબ, આ દવાનું વેચાણ એન્ડોક્રિનોલોજિસ્ટ અથવા ઇન્ટરનલ મેડિસિન નિષ્ણાતના પ્રિસ્ક્રિપ્શનના આધારે જ થવું જોઈએ. જોકે, તપાસમાં કંપની દ્વારા જનરલ મેડિસિનના ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન પર પણ ઇન્જેક્શન વેચવામાં આવ્યાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
કુરિયર મારફતે દર્દીઓ સુધી ઇન્જેક્શન પહોંચાડ્યાનો મુદ્દો
તપાસમાં એવો પણ મુદ્દો સામે આવ્યો હતો કે ઇન્જેક્શન ચામડીની નીચે આપવાની પ્રક્રિયા દરમિયાન ડોક્ટરની પ્રત્યક્ષ હાજરી જરૂરી હોવા છતાં કંપની દ્વારા કથિત રીતે દર્દીઓને કુરિયર મારફતે ઇન્જેક્શન મોકલવામાં આવતાં હતાં. FDCAના જણાવ્યા મુજબ, માત્ર એક વર્ષના સમયગાળામાં આશરે 2,600 જેટલાં ઇન્જેક્શનનું વેચાણ થયું હતું. આ બાબતને રિટેલ દવા વેચાણના લાયસન્સના દુરુપયોગ તરીકે જોવામાં આવી હતી.
જાહેર આરોગ્યના જોખમને ધ્યાનમાં રાખી કાર્યવાહી
સત્તાવાળાઓના જણાવ્યા મુજબ, દવાઓના વેચાણમાં નિયમોનું પાલન કરવું અને દર્દીઓના આરોગ્યની સુરક્ષા જાળવવી કંપનીની પ્રાથમિક ફરજ છે. તપાસમાં સામે આવેલી ક્ષતિઓને ધ્યાનમાં રાખીને લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
હવે કંપનીની અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં આગામી સુનાવણી દરમિયાન શું નિર્ણય આવે છે તેના પર નજર રહેશે. હાઈકોર્ટનો અંતિમ નિર્ણય આવ્યા બાદ જ લાયસન્સ રદ કરવાના આદેશ અંગે આગળની સ્થિતિ સ્પષ્ટ થશે.










