વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશ્વાસુ ગણાતા કેન્દ્રીય મંત્રી પાટીલ પંજાબ પહોંચ્યા; અકાલીદળ સાથે જોડાણ અંગેનો અહેવાલ સીધો PMને સોંપશે
પંજાબ વિધાનસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે રાજ્યમાં પોતાની રાજકીય તૈયારીઓ તેજ કરી છે. આમ આદમી પાર્ટીની સરકાર સામે ચૂંટણીની રણનીતિ ઘડવા માટે હવે પક્ષનું કેન્દ્રીય નેતૃત્વ પણ સક્રિય બન્યું હોવાનું જણાય છે. આ વચ્ચે ગુજરાત ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ ચંદીગઢ પહોંચ્યા છે. પક્ષનાં ટોચનાં સૂત્રોના જણાવ્યા મુજબ, પાટીલને પંજાબમાં અકાલીદળ સાથે ગઠબંધનની શક્યતાઓ અંગે ચર્ચા કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.
પંજાબમાં PM મોદીની સીધી નજર
પંજાબમાં અગાઉ માદક દ્રવ્યોના મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આમ આદમી પાર્ટીની સરકાર સામે મોરચો ખોલ્યો હતો. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ રાજ્યની ચૂંટણીની તૈયારીઓમાં સીધી રસ દાખવી રહ્યા હોવાના સંકેતો મળી રહ્યા છે. તાજેતરમાં ફિલિપાઈન્સમાં એક સદીથી વધુ જૂના ગુરુદ્વારાની મુલાકાત લઈને મોદીએ દર્શન કર્યા હતા. આ મુલાકાતને પણ પંજાબ સાથેના રાજકીય સંદેશના સંદર્ભમાં જોવામાં આવી રહી છે.
અકાલીદળ સાથે જોડાણ અંગે પાટીલ કરશે ચર્ચા
ભાજપનાં ટોચનાં સૂત્રોના જણાવ્યા મુજબ, સી.આર. પાટીલ છેલ્લા ત્રણ મહિનાથી પંજાબની ચૂંટણીની તૈયારીઓ સાથે જોડાયેલા છે. રાજ્યમાં ભાજપે એકલા હાથે ચૂંટણી લડવી કે શિરોમણી અકાલીદળ સાથે ગઠબંધન કરવું તે અંગે સર્વે પણ કરાવવામાં આવ્યો હતો. આ પ્રક્રિયામાં પાટીલની મહત્ત્વની ભૂમિકા રહી હોવાનું કહેવાય છે.
હવે ચંદીગઢમાં પાટીલ અકાલીદળના નેતાઓ અને ભાજપના સ્થાનિક આગેવાનો સાથે સંભવિત ગઠબંધન અંગે ચર્ચા કરશે. આ બેઠકોમાં થયેલી વાતચીત અને મળેલા પ્રતિસાદનો અહેવાલ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપશે. તેના આધારે ભાજપનું મોવડીમંડળ આગામી સમયમાં ગઠબંધન અંગે અંતિમ નિર્ણય લઈ શકે છે.
સુખબીરસિંહ બાદલની દિલ્હી મુલાકાત પણ મહત્ત્વની
સી.આર. પાટીલ પંજાબના સત્તાવાર પ્રભારી નથી. તેઓ વડાપ્રધાન મોદીના મતવિસ્તાર વારાણસી સાથે પણ જોડાયેલા છે. જોકે, ગુજરાતમાં 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપને 156 બેઠકો અપાવવામાં તેમની ભૂમિકા બાદ પક્ષમાં તેમનું મહત્ત્વ વધ્યું હોવાનું માનવામાં આવે છે.
પક્ષનાં સૂત્રોના જણાવ્યા મુજબ, પાટીલ સ્થાનિક નેતાઓ સાથે પણ સંભવિત જોડાણ અંગે ચર્ચા કરશે. બીજી તરફ, અકાલીદળના વડા સુખબીરસિંહ બાદલ રવિવારે દિલ્હી આવવાના હોવાથી તેમની મુલાકાતને પણ રાજકીય રીતે મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
પંજાબમાં ભાજપની ‘મોટાભાઈ’ બનવાની તૈયારી
પંજાબમાં ભાજપ હવે ગઠબંધન કરે તો તેમાં પોતાની મોટી ભૂમિકા જાળવવા માગે છે. તેથી અકાલીદળ સાથે બેઠક વહેંચણી અને રાજકીય સમીકરણો અંગેની ચર્ચા મહત્ત્વની બની શકે છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજય રૂપાણી પણ અગાઉ પંજાબમાં પક્ષના પ્રભારી તરીકે જવાબદારી નિભાવી ચૂક્યા છે.
હવે સી.આર. પાટીલની ચંદીગઢ મુલાકાત અને અકાલીદળ સાથેની સંભવિત વાટાઘાટો બાદ ભાજપ પંજાબમાં ચૂંટણીની રણનીતિ અંગે શું નિર્ણય લે છે તેના પર રાજકીય વર્તુળોની નજર રહેશે.










