આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં નિર્ણય; પેકેટનું લેબલ તપાસવા અને ઘટકોની માહિતી વાંચવા ગ્રાહકોને અપીલ
રાજ્યમાં વેચાતા આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેના તફાવત અંગે ગ્રાહકોમાં જાગૃતિ લાવવા ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ અને ખોરાક તથા ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી ‘ઓપરેશન હેલ્થ’ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા અને ખાદ્ય પદાર્થો અંગે પારદર્શિતા વધારવા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
દેખાવ અને સ્વાદ સરખા, પરંતુ બનાવટમાં તફાવત
બજારમાં આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ બંને પ્રકારનાં ઉત્પાદનો ઉપલબ્ધ છે. દેખાવ, ઠંડક અને સ્વાદમાં સમાનતા હોવાથી ઘણા ગ્રાહકો બંનેને આઈસ્ક્રીમ સમજીને ખરીદે છે. જોકે, બંનેની બનાવટમાં મહત્વનો તફાવત છે. આઈસ્ક્રીમ મુખ્યત્વે મિલ્ક ફેટમાંથી તૈયાર થાય છે, જ્યારે ફ્રોઝન ડેઝર્ટમાં વેજિટેબલ ફેટનો ઉપયોગ કરવામાં આવે છે.
સરકારના જણાવ્યા મુજબ, અનેક ગ્રાહકો આ તફાવતથી અજાણ હોવાથી તેઓ અજાણતાં જ ફ્રોઝન ડેઝર્ટને આઈસ્ક્રીમ સમજીને ખરીદી રહ્યા છે. આથી બંને ઉત્પાદનોની ઓળખ અને તેમાં વપરાતા ઘટકો અંગે યોગ્ય માહિતી પહોંચાડવી અભિયાનનો મુખ્ય હેતુ છે.
ખરીદી પહેલાં પેકેટનું લેબલ તપાસવા અપીલ
આરોગ્ય મંત્રીએ ગ્રાહકોને ખાદ્ય પદાર્થોની ખરીદી પહેલાં પેકેટ પરનું લેબલ ધ્યાનથી વાંચવાની અપીલ કરી છે. ખાસ કરીને ઉત્પાદનનું નામ, તેમાં વપરાયેલા ઘટકો અને પોષકતત્ત્વોની માહિતી તપાસવી જોઈએ. ઉત્પાદન ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તાના લાગુ પડતા ધોરણોનું પાલન કરતું હોય તેની ખાતરી કરવી પણ જરૂરી છે.
વિક્રેતાઓને સ્પષ્ટ માહિતી દર્શાવવા સૂચના
આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટનું છૂટક વેચાણ કરતા વિક્રેતાઓને પણ મંત્રીએ અપીલ કરી છે કે ગ્રાહકોને ઉત્પાદનની બનાવટ અંગે સ્પષ્ટ માહિતી આપે. દુકાનો અને વેચાણ સ્થળોએ યોગ્ય ડિસ્પ્લે બોર્ડ અથવા માર્કિંગ રાખવામાં આવે, જેથી ગ્રાહકો બંને ઉત્પાદનો વચ્ચેનો તફાવત સમજીને પસંદગી કરી શકે.
સોશિયલ મીડિયા દ્વારા જાગૃતિ ફેલાવવાની અપીલ
મંત્રીએ જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષ દરમિયાન મીડિયાના સહયોગથી એનાલોગ પનીર, ચીઝ અને બટર અંગે લોકોમાં જાગૃતિ વધારવાના પ્રયાસો થયા છે. તેવી જ રીતે આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ અંગે પણ વ્યાપક જાગૃતિ જરૂરી છે. શિક્ષિત વર્ગ અને સોશિયલ મીડિયા યુઝર્સને આ માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડીને અભિયાનમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે.
ફ્રોઝન ડેઝર્ટ હોવું એટલે ઉત્પાદન અસુરક્ષિત હોવું નહીં
સરકારે સ્પષ્ટતા કરી છે કે ફ્રોઝન ડેઝર્ટ હોવાનો અર્થ એ નથી કે ઉત્પાદન ભેળસેળયુક્ત કે અસુરક્ષિત છે. જો ઉત્પાદન લાગુ પડતા ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તાના ધોરણોનું પાલન કરતું હોય તો તે કાયદેસર રીતે વેચી શકાય છે. બંને ઉત્પાદનોનું પોષક મૂલ્ય અને ગુણવત્તા તેમાં વપરાયેલા ઘટકો તથા ઉત્પાદન પ્રક્રિયા પર આધારિત હોય છે.
આ બેઠકમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર રતનકંવર ગઢવી ચારણ સહિત આરોગ્ય વિભાગ અને નિયમન તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.









