ત્રિશા હોસ્પિટલ નજીક ખુલ્લા મેદાનમાં આગ લાગી; ફાયર બ્રિગેડનાં બે વાહનોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો, જાનહાનિ નહીં
અમદાવાદના નિર્ણયનગર વિસ્તારમાં ત્રિશા હોસ્પિટલ નજીક ખુલ્લા મેદાનમાં ભીષણ આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફટાકડાની દુકાનની પાછળ આવેલા મેદાનમાં રોડ બનાવવામાં વપરાતા કેમિકલ, રબરની રિંગો સહિતના સામાનમાં આગ ભભૂકી ઊઠી હતી. આગ દરમિયાન કેમિકલ ભરેલું ડ્રમ ફાટતાં લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી.
રોડ બનાવવાના સામાનમાં લાગી આગ
ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, કોર્પોરેશનના પ્લોટ નજીક રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટ વિજય ઇન્ફ્રા પ્રોજેક્ટ લિમિટેડને આપવામાં આવ્યો હતો. કંપનીનો રબરની રિંગો અને રોડ બનાવવામાં ઉપયોગમાં લેવાતા કેમિકલ સહિતનો વધારાનો સામાન ખુલ્લા મેદાનમાં રાખવામાં આવ્યો હતો. આ સામાનમાં અચાનક આગ લાગી હતી.
ઘટનાસ્થળે ધુમાડો નીકળતો જોઈ ત્યાં હાજર સિક્યુરિટી ગાર્ડે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી.
કેમિકલનું ડ્રમ ફાટતાં દોડધામ
ફાયર વિભાગના જણાવ્યા મુજબ, આગ દરમિયાન ઘટનાસ્થળે પડેલું કેમિકલનું ડ્રમ ફાટતાં બ્લાસ્ટ થયો હતો. જેના કારણે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એક મિની ફાયર ફાઇટર અને એક ગજરાજ સહિત બે ફાયર વાહનો તાત્કાલિક મોકલવામાં આવ્યાં હતાં.
કાર્યવાહી દરમિયાન એક ડિવિઝનલ ફાયર ઓફિસર અને એક સ્ટેશન ફાયર ઓફિસર પણ હાજર રહ્યા હતા. ફાયર કર્મચારીઓએ ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી.
આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા
આગની જ્વાળાઓ સાથે કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઊંચે સુધી ફેલાતા દૂરથી પણ દેખાતા હતા. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયાં હતાં. સ્થાનિકોએ પણ પાણીની પાઈપ વડે આગ બુઝાવવાના પ્રાથમિક પ્રયાસો કર્યા હતા.
ફાયર બ્રિગેડની સમયસરની કામગીરીને પગલે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થયાના અહેવાલ નથી.









