‘ઓરા ઈન્ડિયા ટૂર 2026’ વચ્ચે ગિરનાર અને ગીરની મુલાકાત; 21 નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કરશે લાઈવ પરફોર્મન્સ
પંજાબી સુપરસ્ટાર અને ગાયક દિલજીત દોસાંઝ હાલ પોતાની ‘ઓરા ઈન્ડિયા ટૂર 2026’ને લઈને ચર્ચામાં છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારા લાઈવ કોન્સર્ટ પહેલાં દિલજીતે ગુજરાતના ધાર્મિક અને પ્રાકૃતિક સ્થળોની મુલાકાત લીધી છે. તેમણે જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વત પર જઈને પૂજા-અર્ચના કરી હતી, જ્યારે ગીર નેશનલ પાર્કમાં જંગલ સફારીનો પણ આનંદ માણ્યો હતો.
ગિરનાર પર્વત પર કરી પૂજા-અર્ચના
દિલજીતે બુધવારે સોશિયલ મીડિયા પર ગિરનાર પર્વતની મુલાકાતનો વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં તેઓ પોતાની ટીમ સાથે ગિરનારની યાત્રા કરતા જોવા મળે છે. તેમણે રોપ-વેની મદદથી પણ પ્રવાસ કર્યો હતો. જોકે, દિલજીતે વીડિયોમાં જણાવ્યું હતું કે તેઓ પગથિયાં ચઢીને પર્વત પર જવા ઇચ્છતા હતા.
આ મુલાકાત દરમિયાન દિલજીત મંદિરમાં પૂજા-અર્ચના કરતા પણ જોવા મળ્યા હતા. ખાસ વાત એ છે કે વીડિયોના બેકગ્રાઉન્ડમાં તેમણે ‘રામાયણ’નું ‘શ્રી હનુમાન ચાલીસા’ ટ્રેક ઉમેર્યું હતું. પોસ્ટના કેપ્શનમાં તેમણે ગિરનાર પર્વતનો ઉલ્લેખ કરતાં લખ્યું હતું કે, “ગિરનાર પર્વત… લગભગ 66 મિલિયન વર્ષો પહેલાં બન્યો હતો.”
હિન્દુ અને જૈન ધર્મના શ્રદ્ધાળુઓ માટે મહત્વનું તીર્થસ્થળ
જૂનાગઢ નજીક આવેલો ગિરનાર પર્વત ગુજરાતનાં પ્રસિદ્ધ ધાર્મિક અને પ્રવાસન સ્થળોમાંનો એક છે. હિન્દુ અને જૈન બંને ધર્મના શ્રદ્ધાળુઓ માટે તેનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે. દિલજીતની આ આધ્યાત્મિક મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયા પર ચાહકોનું ધ્યાન ખેંચી રહ્યો છે.
ગીર નેશનલ પાર્કમાં જંગલ સફારીની મજા
ગુજરાત પ્રવાસ દરમિયાન દિલજીતે ગીર નેશનલ પાર્કની પણ મુલાકાત લીધી હતી. મંગળવારે તેમણે સફારીનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. વીડિયોમાં તેઓ જીપમાં બેસીને જંગલની સફર કરતા જોવા મળે છે. હાથમાં કેમેરા અને દૂરબીન સાથે તેઓ ગીરના કુદરતી સૌંદર્ય અને વન્યજીવનને નિહાળતા જોવા મળ્યા હતા.
21 નવેમ્બરે અમદાવાદમાં કોન્સર્ટ
દિલજીત દોસાંઝ પોતાની ‘ઓરા ટૂર’ના ભાગરૂપે દેશનાં વિવિધ શહેરોમાં લાઈવ પરફોર્મન્સ આપી રહ્યા છે. આ ટૂર અંતર્ગત 21 નવેમ્બર, 2026ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તેમનો ભવ્ય કોન્સર્ટ યોજાવાનો છે. કોન્સર્ટ પહેલાં જ ગુજરાતનાં ધાર્મિક અને પ્રાકૃતિક સ્થળોની તેમની મુલાકાતને કારણે સ્થાનિક ચાહકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ઈન્દોર કોન્સર્ટમાં ગીતો પરના પ્રતિબંધ અંગે વ્યક્ત કરી હતી નારાજગી
ગુજરાત આવતાં પહેલાં દિલજીતે ઈન્દોરમાં પણ પોતાની ‘ઓરા ટૂર’ અંતર્ગત પરફોર્મન્સ આપ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન તેમના ચાર ગીતો પર મૂકવામાં આવેલા પ્રતિબંધ અંગે તેમણે મંચ પરથી નારાજગી વ્યક્ત કરી હતી. પરફોર્મન્સ દરમિયાન તેમણે કહ્યું હતું કે, “આ ગીત નહીં ગાવાનું, તે ગીત નહીં ગાવાનું, આ નહીં કરી શકીએ, તે નહીં કરી શકીએ.”









