શંકાસ્પદ દર્દીઓનો આંકડો 12 પર પહોંચ્યો; 8નાં મોત, 3ના રિપોર્ટની રાહ
જામનગર: જિલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસોમાં વધારો થતાં ચિંતા વધી છે. છેલ્લા 48 કલાકમાં વધુ 3 શંકાસ્પદ બાળ દર્દીઓનાં મોત થયા છે. મૃતક બાળકો કાલાવડ, વરણા અને ધ્રોલ તાલુકાના હોવાનું જાણવા મળ્યું છે.
જામનગરની જી.જી. હોસ્પિટલમાં ચાંદીપુરાના શંકાસ્પદ બાળ દર્દીઓનો આંકડો 12 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 8 બાળકોનાં મોત થયા હોવાનું તબીબી સૂત્રોએ જણાવ્યું છે.
મૃતક ત્રણેય બાળકોનાં સેમ્પલના રિપોર્ટ હજુ બાકી છે. હાલ હોસ્પિટલમાં 2 બાળ દર્દીઓ સારવાર હેઠળ છે, જ્યારે બે દર્દીઓ સ્વસ્થ થતાં તેમને રજા આપવામાં આવી છે.
અગાઉ ધ્રોલના ડાંગરા પંથકના એક બાળ દર્દીનું રાજકોટમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું, જેનો ચાંદીપુરા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલ આરોગ્ય તંત્ર દ્વારા શંકાસ્પદ કેસો પર નજર રાખી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.










