રાજકોટમાં એમડી ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ : એરપોર્ટ રોડ પરથી 49.70 ગ્રામ ડ્રગ્સ સાથે બે શખ્સ ઝડપાયા, રાજસ્થાની સપ્લાયર પણ ઝબ્બે

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

એસઓજીએ રૂ. 1.49 લાખના મેફેડ્રોન સાથે રિક્ષાચાલક અને રિસીવર પકડ્યા; કુલ રૂ. 3.10 લાખનો મુદ્દામાલ કબજે, રેલવે સ્ટેશન પરથી કથિત સપ્લાયરની ધરપકડ

રાજકોટમાં દિવાળીના તહેવાર પહેલાં નશીલા પદાર્થોના ખરીદ-વેચાણ સામે પોલીસે કાર્યવાહી તેજ કરી છે. આ દરમિયાન એસઓજીની ટીમે એરપોર્ટ રોડ પર જૈન દેરાસર નજીકથી 49.70 ગ્રામ મેફેડ્રોન (એમડી ડ્રગ્સ)ના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે ડ્રગ્સ, મોબાઇલ ફોન અને રિક્ષા સહિત કુલ રૂ. 3,10,300નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનના કોટાથી મંગાવવામાં આવ્યો હોવાની વિગતો સામે આવતાં ગાંધીગ્રામ પોલીસે રેલવે સ્ટેશન પરથી કથિત સપ્લાયર વતી ડિલિવરી આપવા આવેલા અન્ય એક શખ્સને પણ ઝડપી લીધો હતો.

બાતમીના આધારે એરપોર્ટ રોડ પર વોચ ગોઠવી

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, એડિશનલ પોલીસ કમિશનર ચૈતન્ય માંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા અને એસીપી ક્રાઇમ ભરત બસિયાની સૂચનાથી દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને નશીલા પદાર્થોની હેરાફેરી અને વેચાણ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

એસઓજી પીઆઈ એન.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.કે. ગોહિલની ટીમને બાતમી મળી હતી કે રૂમીન મયુદ્દીન જુણેજા અને સાહિલ શફીમિયા કાદરી નામના બે શખ્સો જીજે-23-ઝેડ-9673 નંબરની સીએનજી રિક્ષામાં એમડી ડ્રગ્સનો જથ્થો લઈને એરપોર્ટ રોડ પર જૈન દેરાસર પાસેથી પસાર થવાના છે. આ બાતમીના આધારે એસઓજીની ટીમે એરપોર્ટ રોડ પર વોચ ગોઠવી હતી.

રૂ. 1.49 લાખનું 49.70 ગ્રામ મેફેડ્રોન ઝડપાયું

બાતમીવાળી રિક્ષા ત્યાંથી પસાર થતાં પોલીસે તેને અટકાવી તેમાં સવાર બંને શખ્સોની તપાસ કરી હતી. દરમિયાન તેમની પાસેથી રૂ. 1,49,100ની કિંમતનો 49.70 ગ્રામ મેફેડ્રોનનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે સાહિલ ઉર્ફે જાડાબાપુ શફી કાદરી (ઉંમર 34, રહે. કનૈયા ચોક, રૈયા રોડ) અને રૂમીન ઉર્ફે રૂમલો મયુદ્દીન જુણેજા (ઉંમર 26, રહે. શિવપરા, રૈયા રોડ)ની ધરપકડ કરી હતી. તેમની પાસેથી ડ્રગ્સ ઉપરાંત મોબાઇલ ફોન અને રિક્ષા સહિત કુલ રૂ. 3,10,300નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

કોટાના શિવરાજ પાસેથી ડ્રગ્સ મંગાવ્યાનું ખુલ્યું

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં રૂમીન જુણેજાએ રાજસ્થાનના કોટામાં રહેતા શિવરાજ નામના શખ્સ પાસેથી ડ્રગ્સ મંગાવ્યું હોવાનું સામે આવ્યું હતું. આ શખ્સનો સંપર્ક ઈરફાન ઉર્ફે રોમિયો હનીફ ચાનિયાએ કરાવી આપ્યો હોવાનું પણ પૂછપરછમાં જાણવા મળ્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબ, ડ્રગ્સની ડિલિવરી આપવા માટે શ્યામલાલ બાબુલાલ નાયક (રહે. કોટા, રાજસ્થાન) કિસાનપરા ચોક ખાતે આવ્યો હતો. ત્યાંથી ડ્રગ્સનો જથ્થો મેળવી સાહિલ અને રૂમીન રિક્ષામાં એરપોર્ટ રોડ તરફ જઈ રહ્યા હતા ત્યારે એસઓજીએ તેમને ઝડપી લીધા હતા. રૂમીન દ્વારા રિક્ષાચાલક સાહિલને રૂ. 1,500 ભાડું આપવાની લાલચ આપીને ડ્રગ્સની હેરાફેરીમાં સાથે રાખવામાં આવ્યો હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

રેલવે સ્ટેશન પરથી રાજસ્થાની શખ્સની ધરપકડ

ડ્રગ્સના કેસની વધુ તપાસ ગાંધીગ્રામ પોલીસને સોંપવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે કિસાનપરા ચોક ખાતે ડ્રગ્સની ડિલિવરી આપવા આવેલો શ્યામલાલ નાયક રાજકોટ રેલવે સ્ટેશન પર હાજર છે અને રાજસ્થાન નાસી જવાની તૈયારીમાં છે.

આ બાતમીના આધારે પીઆઈ એચ.પી. ગઢવીની ટીમ તાત્કાલિક રેલવે સ્ટેશન પહોંચી હતી અને શ્યામલાલ બાબુલાલ નાયકને ઝડપી લીધો હતો. પોલીસના જણાવ્યા મુજબ, તેણે કથિત સપ્લાયર વતી કેરિયર તરીકે ડ્રગ્સની ડિલિવરીમાં ભૂમિકા ભજવી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, રૂમીન જુણેજા વિરુદ્ધ અગાઉ મારામારી સહિતના બે ગુના નોંધાયેલા છે. હાલ સમગ્ર નેટવર્કમાં ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવતું હતું, કોને પહોંચાડવાનું હતું અને અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે તે દિશામાં તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai