જાન્યુઆરી 2027થી સુપરફાસ્ટ સરચાર્જ નાબૂદ થશે; જોધપુર–હડપસર સહિતની ટ્રેનો નવા નંબર સાથે દોડશે, સ્લીપરથી AC ક્લાસ સુધીના મુસાફરોને લાભ
રેલવે મુસાફરો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રેલવે પ્રશાસન દ્વારા અમદાવાદ સહિત ગુજરાતમાંથી પસાર થતી કેટલીક સુપરફાસ્ટ ટ્રેનોને સામાન્ય એક્સપ્રેસ શ્રેણીમાં પરિવર્તિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જાન્યુઆરી 2027થી અમલમાં આવનારા આ ફેરફારને કારણે મુસાફરોને ટિકિટ ભાડામાં સીધો ફાયદો થશે. સુપરફાસ્ટ ટ્રેનો પર વસૂલવામાં આવતો વધારાનો સરચાર્જ દૂર થતાં જનરલ, સેકન્ડ સિટિંગ, સ્લીપર અને AC ક્લાસની ટિકિટ સસ્તી થશે. આ ઉપરાંત સંબંધિત ટ્રેનો નવા નંબર સાથે દોડશે.
ટિકિટ દીઠ રૂ.15થી રૂ.75 સુધીનો ઘટાડો
સુપરફાસ્ટ શ્રેણીમાંથી સામાન્ય એક્સપ્રેસ શ્રેણીમાં પરિવર્તન થતાં ટિકિટ પર લાગતો વધારાનો સુપરફાસ્ટ ચાર્જ વસૂલવામાં નહીં આવે. તેના કારણે મુસાફરોને કોચની શ્રેણી પ્રમાણે નીચે મુજબની રાહત મળી શકે છે.
જનરલ અને સેકન્ડ સિટિંગ (2S): ટિકિટ દીઠ રૂ.15નો ઘટાડો.
સ્લીપર ક્લાસ: ટિકિટ દીઠ રૂ.30નો ઘટાડો.
AC ચેર કાર અને થર્ડ AC: ટિકિટ દીઠ રૂ.45નો ઘટાડો.
સેકન્ડ AC અને ફર્સ્ટ AC: ટિકિટ દીઠ રૂ.75નો ઘટાડો.
આ ફેરફારથી લાંબા અંતરની મુસાફરી કરતા મુસાફરોને ખાસ કરીને AC અને સ્લીપર કોચમાં ટિકિટ બુક કરાવતી વખતે આર્થિક રાહત મળશે.
જોધપુર–હડપસર એક્સપ્રેસ 3 જાન્યુઆરીથી નવા નંબર સાથે દોડશે
અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન થઈને મહારાષ્ટ્ર તરફ જતી જોધપુર–હડપસર–જોધપુર દૈનિક સુપરફાસ્ટ એક્સપ્રેસને પણ સામાન્ય એક્સપ્રેસ શ્રેણીમાં ફેરવવામાં આવશે. હાલના ટ્રેન નંબર 20495/20496ને બદલે આ ટ્રેન 3 જાન્યુઆરી 2027થી નવા નંબર 14809/14810 સાથે દોડશે.
આ ફેરફારથી અમદાવાદ સહિત આ રૂટ પરના હજારો મુસાફરોને ટિકિટ ભાડામાં રાહત મળવાની શક્યતા છે. જોકે, ટ્રેનના સંચાલનના સમયપત્રક, રૂટ અને હાલના સ્ટોપેજમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે મુસાફરોને માત્ર નવા ટ્રેન નંબર અને ભાડાના ફેરફારની નોંધ રાખવાની રહેશે.
પશ્ચિમ રેલવેની ચાર ટ્રેનોના નંબર પણ બદલાશે
પશ્ચિમ રેલવે દ્વારા 1 જાન્યુઆરી 2027થી અન્ય ચાર ટ્રેનોને પણ સામાન્ય એક્સપ્રેસ શ્રેણીમાં પરિવર્તિત કરીને નવા નંબર સાથે દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં નીચેની ટ્રેનોનો સમાવેશ થાય છે.
હાલનો ટ્રેન નંબર
રૂટ
નવો ટ્રેન નંબર
12927
દાદર–એકતાનગર
19067
12928
એકતાનગર–દાદર
19068
20959
વલસાડ–વડનગર
19059
20960
વડનગર–વલસાડ
19060
ટિકિટ બુક કરાવતી વખતે નવા નંબરની નોંધ રાખવી
ટ્રેનોના નવા નંબર અને ભાડામાં થનારા ફેરફારને ધ્યાનમાં રાખીને મુસાફરોએ જાન્યુઆરી 2027થી ટિકિટ બુક કરાવતી વખતે નવા નંબરની તપાસ કરવી જરૂરી રહેશે. ખાસ કરીને નિયમિત મુસાફરી કરતા અને અગાઉથી રિઝર્વેશન કરાવતા મુસાફરોએ રેલવેની સત્તાવાર વેબસાઇટ અથવા રેલવે સ્ટેશન પરથી સમયપત્રક અને ભાડાની વિગતો ચકાસવી જોઈએ. સુપરફાસ્ટ સરચાર્જ દૂર થવાથી મુસાફરોને મળનારી રાહત આ ફેરફારનો મુખ્ય લાભ રહેશે.









