AI, રોબોટિક્સ, EV અને સેમિકન્ડક્ટર સહિતના ક્ષેત્રોમાં મફત તાલીમ અપાશે
ગાંધીનગરઃ ગુજરાતના યુવાનોને ભવિષ્યની રોજગારીની જરૂરિયાત મુજબ કૌશલ્યબદ્ધ બનાવવા રાજ્ય સરકારે ‘નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન’ (NGKRM) 2026 શરૂ કર્યું છે. મિશન હેઠળ ચાલુ વર્ષે 1 લાખથી વધુ યુવાનોને તાલીમ આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
મિશનના મુખ્ય ભાગરૂપે ‘ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ્સ ફોર એડવાન્સ્ડ સ્કિલ્સ’ (GIAS) હેઠળ તાલીમ આપવામાં આવશે. આ માટે L&T, ટાટા, મારુતિ સુઝુકી, આર્સેલર મિત્તલ અને ગણપત યુનિવર્સિટી સહિત 250થી વધુ ઉદ્યોગો અને શૈક્ષણિક સંસ્થાઓએ પ્રસ્તાવો રજૂ કર્યા છે.
તાલીમમાં હેલ્થકેર, IT, લોજિસ્ટિક્સ અને મીડિયા સહિત 20 પ્રાથમિકતા ક્ષેત્રો ઉપરાંત AI, રોબોટિક્સ, ઈલેક્ટ્રિક વાહનો, સેમિકન્ડક્ટર, ડેટા સાયન્સ અને ડ્રોન ટેક્નોલોજી જેવા 12 આધુનિક ટેક્નોલોજી ક્ષેત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
14થી 59 વર્ષની વયના બેરોજગાર યુવાનો, મહિલાઓ, શ્રમિકો અને અપસ્કિલિંગ કરવા ઇચ્છતા કામદારોને તાલીમ સંપૂર્ણપણે વિનામૂલ્યે આપવામાં આવશે. વિવિધ કોર્સ ટૂંકા તેમજ લાંબા ગાળાના રહેશે.
યોજનામાં પારદર્શિતા જાળવવા માટે તાલીમ કેન્દ્રો પર જિયો-ફેન્સિંગ, ફેસ રેકગ્નિશન આધારિત હાજરી, CCTV સર્વેલન્સ અને રિયલ-ટાઇમ ડિજિટલ મોનિટરિંગની વ્યવસ્થા કરવામાં આવશે.
તાલીમ સંસ્થાઓને કામગીરી અને પરિણામના આધારે ચૂકવણી કરવામાં આવશે. જ્યારે પ્રમાણપત્ર મેળવનાર તાલીમાર્થીઓને દર 120 કલાકની તાલીમ માટે રૂ. 500ની નાણાકીય સહાય DBT મારફતે સીધી બેંક ખાતામાં આપવામાં આવશે.
રાજ્ય સરકારનો આગામી તબક્કામાં દર વર્ષે 5 લાખ યુવાનોને તાલીમ આપી વૈશ્વિક સ્તરનું કૌશલ્ય ધરાવતું વર્કફોર્સ તૈયાર કરવાનો લક્ષ્યાંક છે.










