‘હર ઘર તિરંગા’ અભિયાનમાં જોડાઈને મુખ્યમંત્રીએ દેશભક્તિનો સંદેશ આપ્યો
ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં 9થી 17 ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા’ અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે, 13 ઓગસ્ટે ગાંધીનગર ખાતે પોતાના નિવાસસ્થાનની અગાસી પર તિરંગો લહેરાવીને આ અભિયાનમાં સહભાગી થયા હતા.
આ વર્ષે દેશના 80મા સ્વતંત્રતા પર્વ અને ‘વંદે માતરમ્’ ગાનના 150 વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને ‘હર ઘર તિરંગા’ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.
અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં 70 લાખથી વધુ ઘરો પર તિરંગો લહેરાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત ભારત-પાકિસ્તાન સરહદ નજીક આવેલા ગામડાઓથી લઈને રાજ્યના મોટા શહેરો સુધી વિવિધ જિલ્લાઓમાં તિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ અભિયાનમાં લોકો મોટી સંખ્યામાં જોડાઈને દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ મજબૂત બનાવે તેવો સંદેશ આપવામાં આવી રહ્યો છે.










