આરોપીઓને જાહેરમાં માર મારવાના કેસમાં સુરત DCPની બદલી કરવા હાઇકોર્ટની ટકોર

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સુરતઃ સુરતમાં આરોપીઓને જાહેરમાં માર મારવા અને તેમનું સરઘસ કાઢવાના મામલે ગુજરાત હાઇકોર્ટમાં આજે 14 ઓગસ્ટે સુઓમોટો સુનાવણી હાથ ધરાઈ હતી. હાઇકોર્ટે સમગ્ર મામલે કડક વલણ અપનાવીને ઘટનામાં સંડોવાયેલા DCP રાજદીપસિંહ નકુમની બદલી કરવા અંગે ટકોર કરી હતી.

કોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે DCP ઉચ્ચ અધિકારી હોવાથી પોલીસ કમિશનર દ્વારા DGPના આદેશથી એડિશનલ CP (ક્રાઇમ)ને તપાસ સોંપવામાં આવી છે. ઘટનાના વીડિયોમાં દેખાતા લોકોના નિવેદનો પણ લેવામાં આવી રહ્યા છે.

આ અંગે હાઇકોર્ટે ટકોર કરતાં કહ્યું કે આ માત્ર પ્રાથમિક તપાસ છે. DCP ઘટનાસ્થળે હાજર હતા અને વીડિયો વાયરલ થયો હોવાથી ઘટનાનો ઇનકાર કરી શકાય નહીં. જો સંબંધિત અધિકારી એ જ જગ્યાએ ફરજ પર રહેશે તો તેમના હાથ નીચે કામ કરતા પોલીસ કર્મચારીઓ તેમની વિરુદ્ધ નિવેદન આપી શકશે નહીં.

કોર્ટે પીડિતોના હિતનો મુદ્દો પણ મહત્વનો ગણાવ્યો હતો. સુનાવણી દરમિયાન પોલીસ દ્વારા આરોપીઓ સાથે જાહેરમાં કરવામાં આવતી ગેરકાયદેસર કાર્યવાહી અંગે અગાઉ બહાર પાડવામાં આવેલા બે સર્ક્યુલરનો પણ ઉલ્લેખ થયો હતો.

આરોપીઓનું સરઘસ કાઢવા પર પ્રતિબંધ

કોર્ટમાં જણાવાયું હતું કે 2019ના સર્ક્યુલર મુજબ આરોપીઓને દોરડાથી બાંધવા, તેમનું સરઘસ કાઢવા, હાથકડી પહેરાવી જાહેરમાં ફેરવવા કે લોકો સમક્ષ તેમનો દેખાડો કરવા પર પ્રતિબંધ છે.

આ ઉપરાંત 2018માં હાઇકોર્ટ સમક્ષ આવી જ ઘટનાઓ અંગે અરજી કરવામાં આવી હતી. ત્યારબાદ રાજ્યમાં આવી 10 જેટલી ઘટનાઓ સામે આવ્યા બાદ પોલીસ માટે સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યો હતો અને તેના આધારે અરજીનો નિકાલ કરવામાં આવ્યો હતો.

પરંતુ વર્ષ 2022માં ખેડામાં ફરી આવી ઘટના બનતાં કન્ટેમ્પ્ટ અરજી કરવામાં આવી હતી અને જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

સુનાવણી દરમિયાન વધુ એક સર્ક્યુલરનો ઉલ્લેખ થયો હતો, જેમાં પોલીસ દ્વારા આરોપીઓને જાહેરમાં માર મારવો, ઉઠક-બેઠક કરાવવી, ઘૂંટણિયે ચલાવવા, દોરડાથી બાંધવા કે જાહેરમાં માફી મંગાવવી જેવી કાર્યવાહી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

હાઇકોર્ટ સમક્ષ સરકારી વકીલે રજૂઆત કરી હતી કે આવા કૃત્ય કરનાર પોલીસ કર્મચારી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને આ માટે DYSP, ACP, DCP, JCP અને CP કક્ષાના અધિકારીઓ જવાબદાર રહેશે.

હાઇકોર્ટે સરકારની આ રજૂઆતને ધ્યાને લીધી હતી અને સમગ્ર મામલાની વધુ સુનાવણી આગામી શુક્રવાર સુધી મુલતવી રાખી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai