ટીમ નબીનમાં ગુજરાતનો દબદબો : ડો. હેમાંગ જોષીને રાષ્ટ્રીય યુવા મોરચાની જવાબદારી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

રાજકોટ: ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નબીનની નવી ટીમમાં ગુજરાતને મહત્વનું સ્થાન મળ્યું છે. ગુજરાત ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ અને મૂળ પોરબંદરના ડો. હેમાંગ જોષીને રાષ્ટ્રીય કક્ષાએ યુવા મોરચાની જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે ગુજરાતમાંથી ભાજપની રાષ્ટ્રીય ટીમમાં ચાર ચહેરાઓને મહત્વની જવાબદારી મળી છે.

રાજકારણમાં ઝડપથી આગળ વધેલા ડો. હેમાંગ જોષીની સંગઠનાત્મક ક્ષમતાને ભાજપના મોવડીમંડળે મહત્વ આપ્યું છે. તેઓ 2013માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે સક્રિય રીતે જોડાયા હતા અને સંગઠનમાં વિવિધ જવાબદારીઓ સંભાળી હતી. 2024માં લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી મળ્યા બાદ તેઓ ગુજરાત ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ બન્યા હતા.

હવે ડો. હેમાંગ જોષીને રાષ્ટ્રીય જવાબદારી મળતાં ગુજરાત ભાજપ યુવા મોરચાને નવા અધ્યક્ષ મળશે. તેમના પ્રમોશનને ભાજપની યુવા કેડર માટે મહત્વપૂર્ણ સંદેશ તરીકે જોવામાં આવી રહ્યું છે.

વર્ષાબેન દોશી સહિત ગુજરાતના અન્ય ચહેરાઓને પણ સ્થાન

વઢવાણના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત ભાજપના પૂર્વ ઉપપ્રમુખ વર્ષાબેન દોશીને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. મહિલા નેતૃત્વને રાષ્ટ્રીય સ્તરે સ્થાન મળતાં ગુજરાતનું પ્રતિનિધિત્વ વધુ મજબૂત બન્યું છે.

આ ઉપરાંત જગદીશ પટેલને રાષ્ટ્રીય મંત્રી બનાવવામાં આવ્યા છે. તેઓ 2019માં ધારાસભ્ય બન્યા હતા અને અમદાવાદ ભાજપના પ્રમુખ તરીકે પણ સંગઠનની જવાબદારી સંભાળી ચૂક્યા છે.

અમદાવાદના રોહન ગુપ્તાની રાષ્ટ્રીય મંત્રી તરીકે પસંદગી પણ ખાસ ધ્યાન ખેંચી રહી છે. તેઓ 2024માં ભાજપમાં જોડાયા બાદ પક્ષના ઈલેક્ટ્રોનિક મીડિયા વિભાગમાં પ્રવક્તા તરીકે જવાબદારી નિભાવી રહ્યા હતા. યુવા નેતા તરીકે તેમની આ નિમણૂકને ભવિષ્યની રાજકીય જવાબદારીઓ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

9 વર્ષ બાદ ફરી ગુજરાતી નેતા ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ

ડો. હેમાંગ જોષી ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ બનનારા બીજા ગુજરાતી બન્યા છે. અગાઉ અમદાવાદના ધારાસભ્ય અમિત ઠાકર 2007થી 2010 દરમિયાન આ જવાબદારી સંભાળી ચૂક્યા છે.

ભાજપના યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ભૂતકાળમાં જે.પી. નડ્ડા, ઉમા ભારતી, પ્રમોદ મહાજન અને પૂનમ મહાજન જેવા નેતાઓ પણ જવાબદારી નિભાવી ચૂક્યા છે. ગુજરાતના ડો. હેમાંગ જોષીને હવે આ રાષ્ટ્રીય કક્ષાની મહત્વપૂર્ણ જવાબદારી મળતાં રાજ્યના ભાજપ સંગઠનમાં પણ નવી ચર્ચા શરૂ થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai