ગોંડલના સુલતાનપુર પાસે ઇન્ડિકા કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

LCBની કાર્યવાહી : ₹1.83 લાખનો મુદ્દામાલ જપ્ત, આઠ મહિનાથી ફરાર આરોપી સહિત બે શખ્સો પકડાયા

ગોંડલ: ગોંડલના સુલતાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાવણા ગામ નજીક સ્થાનિક ગુના શોધક શાખા (LCB)ની ટીમે બાતમીના આધારે વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ઇન્ડિકા કારને અટકાવી તપાસ કરતાં કારમાં ખાસ રીતે બનાવેલા ગુપ્ત ચોરખાનામાંથી વિદેશી દારૂની 459 બોટલો મળી આવી હતી. આ કાર્યવાહી દરમિયાન બે શખ્સોની અટકાયત કરી કુલ ₹1,83,530નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, LCB પીઆઈ જે.પી. રાવના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે બાબરાથી રાંદલના દડવા થઈ રાવણા ગામ તરફ આવી રહેલી ગ્રે કલરની GJ01KL8560 નંબરની ટાટા ઇન્ડિકા કારને રાવણા ગામ પાસે રોકવામાં આવી હતી. કારની તપાસ દરમિયાન અલગ-અલગ જગ્યાએ બનાવવામાં આવેલા ગુપ્ત ચોરખાનામાંથી 180 મિલીલીટરની વિદેશી દારૂની 459 બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹78,030 આંકવામાં આવી છે.

દાહોદના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો

પોલીસે કારમાંથી જહાંગીરભાઈ અમીનભાઈ શેખ (ઉંમર 41), રહે. સુખનાથ ચોક, જૂનાગઢ અને નરેશભાઈ હીરાભાઈ નાગદેવ (ઉંમર 34), રહે. મધુરમ વિસ્તાર, જૂનાગઢની અટકાયત કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, જહાંગીરભાઈ શેખ દાહોદ જિલ્લાના પીપલોદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન તથા ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ નોંધાયેલા ગુનામાં છેલ્લા આઠ મહિનાથી ફરાર હતો.

₹1.83 લાખનો મુદ્દામાલ કબજે

આ કાર્યવાહી દરમિયાન પોલીસે વિદેશી દારૂની 459 બોટલો, કિંમત ₹78,030, બે મોબાઇલ ફોન, કિંમત ₹5,500 અને ટાટા ઇન્ડિકા કાર, કિંમત ₹1 લાખ સહિત કુલ ₹1,83,530નો મુદ્દામાલ કબજે કર્યો છે.

દારૂનો જથ્થો મોકલનાર હોવાનું સામે આવેલા મલ્લાભાઈ ડામોર, રહે. સમોઈ, તાલુકો રાણાપુર અને હિતેશભાઈ સવદાસભાઈ મોઢવાડિયા, રહે. રાજકોટ, મૂળ જૂનાગઢને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. આ મામલે સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai