અધિકારીઓ સાથે ઉગ્ર બોલાચાલી બાદ ખેડૂતોએ બેઠકનો બહિષ્કાર કર્યો; યોગ્ય વળતર નહીં મળે તો આંદોલનની ચીમકી
વડોદરા: પાવર ગ્રીડની હાઈટેન્શન વીજ લાઈન માટે જમીનના વળતરના મુદ્દે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં ખેડૂતો અને અધિકારીઓ વચ્ચે તણાવ સર્જાયો હતો. વળતરના દર અને મૂલ્યાંકન અંગે ખેડૂતોની રજૂઆતોને યોગ્ય મહત્ત્વ આપવામાં આવતું ન હોવાનો આક્ષેપ કરતાં ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. અંતે અધિકારીઓ સાથે બોલાચાલી થતાં ખેડૂતોએ બેઠકનો બહિષ્કાર કરી બહાર નીકળી જવાનો નિર્ણય લીધો હતો.
વડોદરા જિલ્લાના વિવિધ તાલુકાઓ અને ગામોમાંથી પસાર થતી પાવર ગ્રીડની હાઈટેન્શન વીજ લાઈનને કારણે અસરગ્રસ્ત ખેડૂતોની જમીનના વળતરના દર નક્કી કરવા માટે આ બેઠક બોલાવવામાં આવી હતી. બેઠકમાં કલેક્ટર, મામલતદાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જોકે, વળતરના મૂલ્યાંકન અને ખેડૂતોના વાંધાઓને લઈને ચર્ચા દરમિયાન વિવાદ ઊભો થયો હતો.
ખેડૂતોના આક્ષેપ મુજબ, વળતરની રકમ નક્કી કરવાની પ્રક્રિયામાં એકતરફી અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે. ખેડૂતોના વાંધા-સૂચનો સાંભળવાને બદલે તંત્ર દ્વારા નક્કી કરવામાં આવેલા દર સ્વીકારવા દબાણ કરવામાં આવતું હોવાનો પણ તેમણે વિરોધ કર્યો હતો.
બેઠક દરમિયાન એક ખેડૂતને ‘દલાલ’ કહેવામાં આવતાં વાતાવરણ વધુ ઉગ્ર બન્યું હતું. ખેડૂતોના જણાવ્યા અનુસાર, વળતરના દર સાથે અસહમતિ દર્શાવનાર ખેડૂતો સામે કાર્યવાહી કરવાની વાત પણ કરવામાં આવી હતી. આથી નારાજ થયેલા ખેડૂતોએ બેઠકમાંથી બહાર નીકળી જઈ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.
ખેડૂતોએ જણાવ્યું હતું કે હાઈટેન્શન લાઈન માટે જમીન અસરગ્રસ્ત થતી હોવાથી તેમને યોગ્ય અને ન્યાયસંગત વળતર મળવું જોઈએ. વળતરના દર નક્કી કરતી વખતે ખેડૂતોના વાંધાઓ અને રજૂઆતોને ધ્યાનમાં લેવામાં આવે તેવી તેમની માંગ છે.
ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની માંગણીઓનો યોગ્ય ઉકેલ નહીં આવે અને વળતરના મુદ્દે ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં સંગઠિત થઈ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. હવે આ વિવાદમાં સરકારી તંત્ર દ્વારા કેવો અભિગમ અપનાવવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે.










