અમદાવાદની કઠવાડા GIDCમાં આવેલી યેશ લેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ચોરીનો મામલો સામે આવ્યો છે. કંપનીના બે કર્મચારીઓએ છેલ્લા બે મહિનામાં અંદાજે રૂ. 18 લાખની કિંમતના 10 ટન વજનના પ્લાસ્ટિક રો-મટીરિયલના 35 રોલ ચોરી કર્યા હોવાની ફરિયાદ નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. CCTV કેમેરામાં ટેક્નિકલ ખામી સર્જાતાં મોનિટરિંગ દરમિયાન સમગ્ર મામલો સામે આવ્યો હતો.
CCTV તપાસમાં બે કર્મચારીઓ શંકાના દાયરામાં
કંપનીમાં HR મેનેજર તરીકે ફરજ બજાવતા જશવંતસિંહ રાજપૂત દ્વારા 27 સપ્ટેમ્બરના રોજ CCTV કેમેરાની તપાસ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન કંપનીના કર્મચારીઓ ધર્મેન્દ્રસિંહ ચૌહાણ અને મહેશકુમાર સોલંકી રો-મટીરિયલ લઈ જતા હોવાની વિગતો સામે આવી હતી. કંપનીના માલિકે પૂછપરછ કરતાં બંનેએ છેલ્લા બે મહિનાથી ચોરી કરતા હોવાની કબૂલાત કરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
ડિલિવરીના બહાને માલ બહાર લઈ જતા હોવાનો આક્ષેપ
પ્રાથમિક તપાસમાં બંને કર્મચારીઓ કંપનીની બોલેરો ગાડીનો ઉપયોગ કરીને માલ બહાર લઈ જતા હોવાનું સામે આવ્યું હતું. તેઓ માલિકના કહેવાથી ડિલિવરી માટે જઈ રહ્યા હોવાનું જણાવી રોજના બે-ત્રણ રોલ બહાર લઈ જતા હોવાનો આક્ષેપ છે. મામલો સામે આવ્યા બાદ નાણાં પરત આપવાનું વચન આપીને બંને કર્મચારીઓ કંપની છોડી જતા રહ્યા હતા.
સ્ટોકની તપાસમાં 35 રોલ ગુમ હોવાનું ખુલ્યું
કંપનીના સ્ટોર ઇન્ચાર્જે સ્ટોક રજિસ્ટરની તપાસ કરતાં અલગ-અલગ સાઇઝના કુલ 35 રોલ ગુમ હોવાનું જાણવા મળ્યું હતું. આ રોલનું કુલ વજન આશરે 10 ટન અને કિંમત રૂ. 18 લાખ હોવાનું જણાવાયું છે. નિકોલ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી બંને આરોપીઓને શોધવા તપાસ હાથ ધરી છે.










