અમદાવાદમાં સાયબર ઠગોએ છેતરપિંડીની નવી રીત અપનાવી કોમ્પ્યુટર વેપારીને રૂ. 95 હજારનો ચૂનો લગાવ્યો છે. રેપિડો સર્વિસમાં ફરિયાદ કરવા ગૂગલ પરથી કસ્ટમર કેર નંબર શોધીને ફોન કરનાર વેપારીને અજાણ્યા શખ્સે APK ફાઇલ ડાઉનલોડ કરાવી મોબાઇલ હેક કર્યો હતો. આ મામલે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ શરૂ કરી છે.
પ્રિન્ટરની ડિલિવરી ન થતાં કસ્ટમર કેરનો સંપર્ક કર્યો
ઇસનપુર વિસ્તારમાં રહેતા અને આશ્રમ રોડ પર ‘મિત કોમ્પ્યુટર સર્વિસીસ’ના નામે વ્યવસાય કરતા 50 વર્ષીય ધવલ શાહે 7 ઓક્ટોબરે વસ્ત્રાપુરથી એલિસબ્રિજની સ્તવ્ય હોસ્પિટલમાં પ્રિન્ટર મોકલવા રેપિડો મારફતે ટ્રિપ બુક કરાવી હતી. જોકે, પ્રિન્ટરની ડિલિવરી ન થતાં તેમણે ફરિયાદ કરવા માટે ગૂગલ પર કસ્ટમર કેર નંબર શોધી સંપર્ક કર્યો હતો.
APK ફાઇલ ડાઉનલોડ કરાવી રૂ. 1નું પેમેન્ટ કરાવ્યું
ફોન પર વાત કરનાર અજાણ્યા શખ્સે કસ્ટમર સપોર્ટના નામે ‘Customer Support.apk’ ફાઇલ મોકલી હતી. વેપારીને ફાઇલ ડાઉનલોડ કરાવી મોબાઇલની સ્ક્રીન શેર કરાવવામાં આવી હતી. ત્યારબાદ ગૂગલ પે મારફતે રૂ. 1નું પેમેન્ટ કરાવવાની પ્રક્રિયા કરવામાં આવી હતી. આ દરમિયાન મોબાઇલ હેક થયો હોવાની આશંકા છે.
OTP આપ્યા વિના ખાતામાંથી રૂ. 95 હજાર ટ્રાન્સફર
થોડી જ વારમાં વેપારીના મણિનગર સ્થિત બેંક ખાતામાંથી બેંક ઓફ મહારાષ્ટ્રના ખાતામાં રૂ. 95 હજાર ટ્રાન્સફર થઈ ગયા હતા. કોઈ OTP આપ્યો ન હોવા છતાં નાણાં કપાતાં વેપારીએ તાત્કાલિક સાયબર હેલ્પલાઇન 1930 પર જાણ કરી હતી. ત્યારબાદ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
સાયબર ફ્રોડથી બચવા શું ધ્યાન રાખવું?
ગૂગલ સર્ચમાં મળતા અજાણ્યા કસ્ટમર કેર નંબર પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો.
અજાણી APK ફાઇલ ડાઉનલોડ કરવાનું ટાળો.
અજાણ્યા વ્યક્તિને મોબાઇલની સ્ક્રીન શેર ન કરો.
છેતરપિંડી થાય તો તાત્કાલિક 1930 પર સંપર્ક કરો અને સત્તાવાર સાયબર ક્રાઇમ પોર્ટલ પર ફરિયાદ નોંધાવો.










