અમદાવાદમાં ગરબા રમવા જવું પડ્યું ભારે! વસ્ત્રાપુરની ઓફિસમાંથી 47 લેપટોપની ચોરી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

મુખ્ય દરવાજો ખુલ્લો હોવાનો ચોરે ઉઠાવ્યો લાભ; સર્વર રૂમમાંથી CCTV બંધ કરી આશરે ₹15 લાખના લેપટોપ ચોર્યા, પોલીસ તપાસમાં લાગી

અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી ચિપ ડિઝાઇન કંપનીની ઓફિસમાંથી આશરે ₹15 લાખની કિંમતના 47 લેપટોપ ચોરી થવાની ઘટના સામે આવી છે. 13 ઓક્ટોબરે કંપનીના કર્મચારીઓ ગરબા રમવા બહાર ગયા હતા, ત્યારે ઓફિસનો મુખ્ય દરવાજો ખુલ્લો રહી ગયો હતો. આ તકનો લાભ લઈને અજાણ્યો શખસ ઓફિસમાં ઘૂસ્યો હતો અને CCTV કેમેરા બંધ કર્યા બાદ લેપટોપ ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. આ મામલે કંપનીના માલિકે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ શરૂ કરી છે.

સર્વર રૂમમાં જઈ CCTV કેમેરા બંધ કર્યા

મળતી માહિતી મુજબ, સેટેલાઇટ વિસ્તારમાં રહેતા અને છેલ્લા ચાર વર્ષથી ચિપ ડિઝાઇનના વ્યવસાય સાથે સંકળાયેલા 35 વર્ષીય નિકુલ શાહે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમની વસ્ત્રાપુર સ્થિત કંપનીની ઓફિસમાં વિવિધ કંપનીઓનાં 47 લેપટોપ રાખવામાં આવ્યાં હતાં.

ફરિયાદ અનુસાર, 13 ઓક્ટોબરે કર્મચારીઓ નવરાત્રી નિમિત્તે ગરબા રમવા ગયા હોવાથી ઓફિસનો મુખ્ય દરવાજો લોક કર્યા વિના ખુલ્લો રહી ગયો હતો. આ દરમિયાન અજાણ્યો શખસ ઓફિસમાં પ્રવેશ્યો હતો. તેણે સૌપ્રથમ સર્વર રૂમમાં જઈ CCTV કેમેરાની સ્વીચ બંધ કરી દીધી હતી. ત્યારબાદ રાત્રે 11 વાગ્યે હાઉસકીપિંગ સ્ટાફ ઓફિસ બંધ કરવા આવે તે પહેલાં જ ટેબલ પર રાખેલાં 47 લેપટોપ લઈને ફરાર થઈ ગયો હતો.

રાત્રે કપડાં લેવા આવેલા કર્મચારીને ચોરીની જાણ થઈ

રાત્રે આશરે 12:30 વાગ્યે કંપનીનો કર્મચારી સચિન શર્મા ગરબા રમીને પોતાનાં કપડાં લેવા ઓફિસે પહોંચ્યો હતો. ત્યાં વર્ક એરિયામાં ટેબલ પર રાખેલાં લેપટોપ ગાયબ જણાતાં તેણે તાત્કાલિક હિસાબ સંભાળતા રવિ ઉત્તમચંદાણીને જાણ કરી હતી. ત્યારબાદ કંપનીના માલિક નિકુલ શાહને પણ આ અંગે માહિતી આપવામાં આવી હતી.

વસ્ત્રાપુર પોલીસે તપાસ હાથ ધરી

ઘટનાની જાણ થતાં કંપનીના માલિકે ઓફિસે પહોંચીને CCTV વ્યવસ્થાની તપાસ કરી હતી. ત્યારબાદ અજાણ્યા શખસ વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી ઘટનાસ્થળની તપાસ શરૂ કરી છે. આશરે ₹15 લાખના 47 લેપટોપની ચોરી કરનાર આરોપીને શોધવા અને ચોરીનો મુદ્દામાલ પરત મેળવવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai