15 હજાર લિટરની ક્ષમતાવાળા રિએક્ટરમાં ધડાકો થતાં ફેક્ટરીમાં ભારે નુકસાન; 15 કિમી સુધી સંભળાયો અવાજ, ગેસ ગળતરની આશંકાથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ
ભરૂચની વાગરા GIDCમાં આવેલી સેનઝીલ ફાર્મા કેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં શુક્રવારે મોડી રાત્રે ભયાનક બ્લાસ્ટની ઘટના બની હતી. કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન 15 હજાર લિટરની ક્ષમતા ધરાવતા રિએક્ટરમાં પ્રચંડ ધડાકો થતાં પાંચ શ્રમિકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે અન્ય છ શ્રમિકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ધડાકાથી આસપાસનો વિસ્તાર ધ્રૂજી ઊઠ્યો
બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ આશરે 15 કિલોમીટર સુધી સંભળાયો હતો. અચાનક થયેલા ધડાકાથી આસપાસના વિસ્તારોમાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકો ભયભીત થઈને ઘરની બહાર દોડી આવ્યા હતા. ધડાકાની તીવ્રતાને કારણે ફેક્ટરીની મશીનરીના ભાગો અને શેડને ભારે નુકસાન થયું હતું.
ઘાયલો હોસ્પિટલમાં, મૃતદેહો સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા
ઘટના બાદ ઘાયલ શ્રમિકોને સારવાર માટે ભરૂચની એપેક્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી હોવાનું જણાવાયું છે. જ્યારે મૃતક શ્રમિકોના મૃતદેહોને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
બ્લાસ્ટ બાદ ગેસ ગળતરની આશંકા ઊભી થતાં આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. કંપનીમાં રિએક્ટર બ્લાસ્ટ કયા કારણોસર થયો અને ઘટનાની સંપૂર્ણ વિગતો જાણવા તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.










