10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટ્યા, અંદાજે રૂ. 20 કરોડથી વધુ કિંમતના લાખો લિટર ઘીનો અભિષેક; ‘જય મા વરદાયિની’ના જયઘોષથી ગુંજી ઊઠ્યું રૂપાલ
ગાંધીનગર નજીક આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ રૂપાલ ખાતે આસો નવરાત્રિની નોમની પવિત્ર રાત્રે જગતજનની મા વરદાયિનીની વિશ્વપ્રસિદ્ધ ઐતિહાસિક પલ્લી ભક્તિભાવ અને પરંપરાગત વિધિ-વિધાન સાથે સંપન્ન થઈ હતી. મધ્યરાત્રિએ 12 વાગ્યા બાદ માતાજીના નિજ મંદિર પરિસરમાં વિધિવત પૂજા-અર્ચના કરવામાં આવી હતી, ત્યારબાદ પાંચ જ્યોતવાળી દિવ્ય પલ્લીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક પ્રસંગે દેશ-વિદેશમાંથી 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ રૂપાલમાં ઉમટી પડ્યા હતા. સમગ્ર ગામ ભક્તિ, આસ્થા અને ઉત્સાહના રંગે રંગાયું હતું.
27 ચકલાઓમાં ફરી પલ્લી, ઘીના અભિષેકથી સર્જાયો અદભુત નજારો
રૂપાલની પલ્લી ગામના નિર્ધારિત 27 ચકલાઓમાં ફરી હતી. પલ્લી જ્યાંથી પસાર થતી હતી ત્યાં ભક્તો માતાજીની મનોકામના પૂર્ણ થાય તેવી શ્રદ્ધા સાથે શુદ્ધ દેશી ઘીનો અભિષેક કરતા હતા. શ્રદ્ધાળુઓ પીપડા, ડબ્બા અને તગારા ભરીને ઘી લઈને આવ્યા હતા અને પલ્લી પર ઘીનો અભિષેક કરી ધન્યતા અનુભવી હતી. અંદાજે રૂ. 20 કરોડથી વધુ કિંમતના લાખો લિટર ઘીનો અભિષેક કરવામાં આવ્યો હોવાનો અંદાજ છે. ઘીના વિશાળ પ્રવાહને એકત્રિત કરવા માટે ટ્રેક્ટરની ટ્રોલીઓની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ઘીના અભિષેકને કારણે ગામની શેરીઓમાં ઘી વહેતું હોય તેવાં અદભુત દૃશ્યો જોવા મળ્યાં હતાં.
ખીજડાના લાકડામાંથી તૈયાર થાય છે પરંપરાગત પલ્લી
મા વરદાયિનીની પલ્લી પરંપરાગત પદ્ધતિથી ખીજડાના લાકડામાંથી તૈયાર કરવામાં આવે છે. આ પલ્લી બનાવવામાં લોખંડની ખીલીનો ઉપયોગ કરવામાં આવતો નથી. ધાર્મિક વિધિ-વિધાન પૂર્ણ થયા બાદ પલ્લી પર પાંચ જ્યોત પ્રગટાવવામાં આવે છે અને માતાજીની આજ્ઞા લઈને તેનું પ્રસ્થાન કરાવવામાં આવે છે. પલ્લી આગળ વધે તેમ ભક્તો માતાજીના દર્શન કરવા અને ઘીનો અભિષેક કરવા માટે ઉમટી પડે છે. આ પરંપરા રૂપાલની ધાર્મિક ઓળખ અને લોકઆસ્થાનું પ્રતીક બની રહી છે.
ગુલાલ ઉત્સવ અને ગરબાની રમઝટથી ભક્તિમય બન્યું વાતાવરણ
પલ્લીના પ્રસ્થાન પહેલાં મંદિરના વિશાળ પટાંગણમાં ભવ્ય ગુલાલ ઉત્સવ યોજાયો હતો. મોટી સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓ, પુરુષો, યુવાનો અને વડીલોએ એકબીજા પર ગુલાલ ઉડાડીને માતાજીના વધામણાં કર્યા હતા. પલ્લીના આગમનને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પલ્લી નીકળતાં પહેલાં ભક્તોએ માતાજીના આંગણે ગરબા રમીને આરાધના કરી હતી. ‘જય મા વરદાયિની’ અને ‘જય જગદંબા’ના નાદથી સમગ્ર રૂપાલ ધામ ગુંજી ઊઠ્યું હતું. પરંપરા, ભક્તિ અને લોકઉત્સવના અનોખા સંગમથી રૂપાલમાં દિવ્ય માહોલ સર્જાયો હતો.
લાખો શ્રદ્ધાળુઓ માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા
પલ્લીમાં લાખો ભક્તો ઉમટવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 11 એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની નિમણૂક કરવામાં આવી હતી, જ્યારે 24 મહત્ત્વનાં સ્થળો પર દેખરેખ રાખવા માટે 24 નોડલ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી હતી. સુરક્ષા વ્યવસ્થામાં 500 પોલીસ જવાનો અને 300 હોમગાર્ડના જવાનો તહેનાત રહ્યા હતા. પલ્લીના માર્ગો અને મેળા વિસ્તારમાં CCTV કેમેરા તથા ડ્રોન દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી હતી. ગામને જોડતા મુખ્ય માર્ગો પર ભારે વાહનોની અવરજવર પણ નિયંત્રિત કરવામાં આવી હતી, જેથી શ્રદ્ધાળુઓને અવરજવરમાં મુશ્કેલી ન પડે અને સમગ્ર આયોજન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ શકે.
પલ્લી સાથે જોડાયેલી આશરે 5,000 વર્ષ જૂની પૌરાણિક માન્યતા
રૂપાલની પલ્લી સાથે આશરે 5,000 વર્ષ જૂનો પૌરાણિક ઇતિહાસ જોડાયેલો હોવાનું માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, મહાભારતના સમયમાં પાંડવોએ પોતાના અજ્ઞાતવાસ દરમિયાન દિવ્ય શસ્ત્રો રૂપાલ ગામમાં આવેલા પવિત્ર વરખડીના વૃક્ષ નીચે છુપાવ્યાં હતાં. અજ્ઞાતવાસ પૂર્ણ થયા બાદ પાંડવોએ મા વરદાયિનીની સ્થાપના કરી તેમની પૂજા-અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ મહાભારતના યુદ્ધમાં વિજય પ્રાપ્ત થયા પછી ભગવાન શ્રીકૃષ્ણની ઉપસ્થિતિમાં પાંડવોએ સોનાની પલ્લી બનાવી તેના પર ઘીનો અભિષેક કર્યો હોવાની લોકમાન્યતા છે. ત્યારથી પલ્લી પર ઘીનો અભિષેક કરવાની પરંપરા અવિરત ચાલી આવતી હોવાનું શ્રદ્ધાળુઓ માને છે. ત્રેતાયુગમાં ભગવાન શ્રીરામે પણ રાવણ સામેના વિજય પહેલાં અહીં માતાજીના આશીર્વાદ લીધા હોવાની માન્યતા પ્રચલિત છે.
રૂપાલની પલ્લી માત્ર ધાર્મિક ઉત્સવ જ નહીં, પરંતુ ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરા, લોકઆસ્થા અને સામૂહિક શ્રદ્ધાનું અનોખું પ્રતીક છે. દર વર્ષે આસો નવરાત્રિની નોમની રાત્રે યોજાતો આ ઉત્સવ લાખો ભક્તોને માતાજીના દર્શન અને આરાધના માટે એકત્રિત કરે છે. આ વર્ષે પણ ભક્તોના અતૂટ વિશ્વાસ, ઘીના વિશાળ અભિષેક, ગુલાલ ઉત્સવ અને જયઘોષ વચ્ચે મા વરદાયિનીની પલ્લીનો ઉત્સવ ભક્તિમય માહોલમાં સંપન્ન થયો હતો.










