વિજયાદશમી પર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું શસ્ત્રપૂજન

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રી નિવાસસ્થાને શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરી સુરક્ષાકર્મીઓને પાઠવી શુભકામનાઓ; ફરજ, કર્તવ્યનિષ્ઠા અને માનવીય મૂલ્યો જાળવવા પ્રેરણા આપી

વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રી નિવાસસ્થાને શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે શસ્ત્રપૂજન કર્યું હતું. અસત્ય પર સત્યના વિજયના પ્રતીક સમાન દશેરાના પર્વે મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થામાં ફરજ બજાવતા સુરક્ષાકર્મીઓનાં શસ્ત્રોનું પૂજન કરીને ભારતીય સંસ્કૃતિની પ્રાચીન પરંપરાને જાળવી રાખી હતી. આ પ્રસંગે તેમણે તમામ સુરક્ષાકર્મીઓને વિજયાદશમીની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.

શસ્ત્રપૂજનની પરંપરા શસ્ત્ર અને શાસ્ત્રના મહત્ત્વની સાથે રાષ્ટ્રની રક્ષા, સુરક્ષા અને કર્તવ્યનિષ્ઠાનો સંદેશ આપે છે. મુખ્યમંત્રીએ સુરક્ષાકર્મીઓ સાથે આ પવિત્ર પ્રસંગની ઉજવણી કરી હતી અને તેમને ફરજ પ્રત્યે સમર્પિત રહીને કાર્ય કરવા પ્રેરણા આપી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરક્ષાકર્મીઓને સંબોધતાં ફરજ, કર્તવ્યભાવના અને કર્મયોગના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, રક્ષા અને સુરક્ષાનું દાયિત્વ નિભાવવાની સાથે સંવેદના, કરુણા અને સત્કર્મોની ભાવના જાળવી રાખીને કર્તવ્યપથ પર સતત કાર્યરત રહેવું એ જ સાચો કર્મયોગ અને ફરજનિષ્ઠા છે. ફરજ બજાવવાની સાથે માનવીય મૂલ્યોનું જતન કરવું અને સત્કર્મો દ્વારા આધ્યાત્મિક ઉન્નતિ સાધવાનો વિચાર પણ જીવનમાં એટલો જ મહત્ત્વનો છે.

મુખ્યમંત્રીની સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી સંભાળતા પોલીસ અધિક્ષક તેજસ પટેલે શસ્ત્રપૂજનના અવસરે મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષક, પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર, કમાન્ડોઝ, વાહનચાલકો સહિત મુખ્યમંત્રીની સુરક્ષા અને સલામતી વ્યવસ્થામાં ફરજ બજાવતા સુરક્ષાકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શસ્ત્રપૂજનમાં સહભાગી બન્યા હતા.

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી નિવાસસ્થાને વિજયાદશમીના પર્વે શસ્ત્રપૂજન કરવાની પરંપરા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે શરૂ કરવામાં આવી હતી. આ પરંપરા આજે પણ શ્રદ્ધા, સંસ્કૃતિ અને કર્તવ્યનિષ્ઠાની ભાવના સાથે જાળવી રાખવામાં આવી રહી છે. વિજયાદશમીના પવિત્ર અવસરે યોજાયેલા આ શસ્ત્રપૂજન દ્વારા ભારતીય સંસ્કૃતિના મૂલ્યો અને રાષ્ટ્રની સુરક્ષામાં સમર્પિત કર્મચારીઓની ફરજનું મહત્ત્વ ઉજાગર થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai