મુંજકાના ફ્લિપકાર્ટ વેરહાઉસમાંથી 100 પાર્સલ લઈ નીકળ્યો, માત્ર 6ની ડિલિવરી કરી બાકીના 94 પાર્સલ સાથે ફરાર; LCB ઝોન-2 અને યુનિવર્સિટી પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં પર્દાફાશ
રાજકોટના મુંજકા વિસ્તારમાં આવેલા ફ્લિપકાર્ટના વેરહાઉસમાંથી રૂ. 12.56 લાખની કિંમતનાં 100 પાર્સલ લઈને નીકળેલા ડિલિવરી બોયે માત્ર છ પાર્સલની ડિલિવરી કરી બાકીનાં 94 પાર્સલ સગેવગે કરી દીધાં હતાં. આ મામલે યુનિવર્સિટી પોલીસ અને LCB ઝોન-2ની ટીમે સંયુક્ત કાર્યવાહી કરીને આરોપી મિહિર વાઘેલાની અટલ સરોવર નજીકથી ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા તેની પાસેથી રૂ. 12.05 લાખની કિંમતનાં અલગ-અલગ પાર્સલ કબજે કરવામાં આવ્યાં હતાં.
પોતાના અને મિત્રોના નામે મંગાવ્યાં મોંઘાં પાર્સલ
પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, આરોપી મિહિર રમેશ વાઘેલા (ઉંમર 24 વર્ષ)ને આશરે રૂ. 5 લાખનું દેવું થઈ ગયું હતું. આ દેવું ચૂકવવા માટે તેણે કથિત રીતે ફ્લિપકાર્ટ પરથી મોંઘા મોબાઇલ ફોન અને અન્ય ચીજવસ્તુઓ પોતાના તેમજ મિત્રોના નામે અલગ-અલગ સરનામાં પર મંગાવવાનું કાવતરું ઘડ્યું હતું. આ સરનામાં તેના ડિલિવરી રૂટમાં આવતાં હોવાથી તેણે વેરહાઉસમાંથી પોતે જ પાર્સલ મેળવી લીધાં હતાં અને ત્યારબાદ પાર્સલની ડિલિવરી કરવાને બદલે તેને સગેવગે કરી દીધાં હતાં.
મોબાઇલ સ્વિચ ઓફ કરી ફરાર થયો
બનાવની વિગતો મુજબ, ગત તા. 11ના રોજ મુંજકા ગામે આવેલા ફ્લિપકાર્ટના વેરહાઉસમાંથી આરોપી 100 પાર્સલ ડિલિવરી માટે લઈને નીકળ્યો હતો. આ પાર્સલની કુલ કિંમત રૂ. 12.56 લાખ જેટલી હતી. તેમાંથી માત્ર છ પાર્સલની ડિલિવરી કર્યા બાદ તેણે બાકીનાં 94 પાર્સલ પોતાની પાસે રાખી લીધાં હતાં અને મોબાઇલ ફોન સ્વિચ ઓફ કરીને ફરાર થઈ ગયો હતો. આ અંગે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાતાં તપાસનો ધમધમાટ શરૂ થયો હતો.
LCB અને યુનિવર્સિટી પોલીસની સંયુક્ત કાર્યવાહી
આરોપીને ઝડપી પાડવા માટે પોલીસની ટીમોએ હ્યુમન સોર્સ અને ટેક્નિકલ માહિતીના આધારે તપાસ હાથ ધરી હતી. પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ LCB ઝોન-2 અને યુનિવર્સિટી પોલીસની સંયુક્ત ટીમે તપાસ આગળ વધારી આરોપી મિહિર વાઘેલાને અટલ સરોવર નજીક બજરંગ ચોક પાસેથી ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી રૂ. 12.05 લાખની કિંમતનાં અલગ-અલગ પાર્સલ કબજે કરવામાં આવ્યાં હતાં.
પોલીસની તપાસમાં દેવું ઉતારવા માટે આરોપીએ પોતાના નામે તેમજ મિત્રોના નામે પાર્સલ મંગાવી, ડિલિવરીની વ્યવસ્થાનો કથિત દુરુપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે. આ પ્રકરણમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.










