ડિલિવરી બોયની સતર્કતાથી મામલો સામે આવ્યો; રૂ. 1,500ની કિંમતનો MD ડ્રગ્સનો જથ્થો જપ્ત, પાર્સલ મોકલનાર અને મેળવનારની ભૂમિકાની તપાસ શરૂ
અમદાવાદમાં પોર્ટર ડિલિવરી સર્વિસના માધ્યમથી MD ડ્રગ્સની હેરાફેરી થતી હોવાનો મામલો સામે આવ્યો છે. ગોતા વિસ્તારમાં પહોંચાડવાના એક પાર્સલ અંગે શંકા જતાં પોર્ટર કર્મચારી વસંત સોલંકીએ તપાસ કરી હતી. પાર્સલમાંથી શંકાસ્પદ પદાર્થ મળી આવતાં તેણે તાત્કાલિક પોલીસ કંટ્રોલરૂમને જાણ કરી હતી. ત્યારબાદ નરોડા પોલીસે સ્થળ પર પહોંચી અંદાજે રૂ. 1,500ની કિંમતનો MD ડ્રગ્સનો જથ્થો કબજે કરી તપાસ શરૂ કરી હતી.
અજાણ્યા ઓર્ડરથી શંકા જતાં પાર્સલની તપાસ કરી
પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, વસંત સોલંકીને પોર્ટર મારફતે સામાન પહોંચાડવાનો ઓર્ડર મળ્યો હતો. આ દરમિયાન સતીશભાઈ સરાણીયાની પોર્ટર આઈડી પર તેમની જાણ બહાર ઓર્ડર આવતા હોવાની શંકા ઊભી થઈ હતી. આથી ઓર્ડર અને પાર્સલ અંગે ચકાસણી કરવામાં આવી હતી. નાના ચિલોડા ખાતે તપાસ દરમિયાન સામાનમાંથી એક પડીકી મળી આવી હતી, જેમાં MD ડ્રગ્સ હોવાની આશંકા જણાતાં પોલીસને જાણ કરવામાં આવી હતી.
પોલીસ તપાસમાં પાર્સલ મેળવનારની ઓળખ સામે આવી
માહિતી મળતાં નરોડા પોલીસની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં પાર્સલ મેળવનાર તરીકે પ્રિયાંક વસંતભાઈ સંઘવી (ઉંમર 27 વર્ષ)નું નામ સામે આવ્યું હતું. તેની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, પોર્ટર ડ્રાઇવરની ભૂમિકા અંગે તપાસમાં તેને નિર્દોષ ગણવામાં આવ્યો છે, જ્યારે પાર્સલ મોકલનાર અને મેળવનારની ભૂમિકાની તપાસ ચાલી રહી છે.
ડ્રગ્સ ક્યાંથી આવ્યું તેની તપાસ
પોલીસ હવે આ MD ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું, કોણે પેક કર્યું હતું અને ગોતા ખાતે કોને પહોંચાડવાનું હતું તે દિશામાં તપાસ કરી રહી છે. પ્રાથમિક પૂછપરછમાં પાર્સલ આગળ અન્ય કોઈ વ્યક્તિને આપવાનું હોવાની બાબત પણ સામે આવી હોવાનું જણાવાયું છે. આથી સમગ્ર હેરાફેરીમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે જાણવા પોલીસ તપાસ આગળ ધપાવી રહી છે.










