અમદાવાદમાં ફાર્મા કંપનીના નામે વેપારી સાથે રૂ. 47.37 લાખની છેતરપિંડી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

બોગસ પર્ચેસ ઓર્ડર આપી રૂ. 35.34 લાખ પડાવ્યા, રૂ. 12.02 લાખનું પ્રિન્ટિંગ કામ પણ કરાવ્યું; માતા-પુત્ર સામે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ

અમદાવાદમાં ફાર્મા કંપનીઓના નામે બોગસ પર્ચેસ ઓર્ડર મોકલી ગ્રાફિક્સ વેપારી સાથે રૂ. 47.37 લાખની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. નવરંગપુરા સ્ટેડિયમ રોડના આભૂષણ કોમ્પ્લેક્સમાં ઓફિસ ધરાવતા માતા-પુત્ર સામે સોલા રોડના વેપારીએ ફરિયાદ નોંધાવી છે. આક્ષેપ મુજબ, આરોપીઓએ કાચો માલ ખરીદવાના બહાને રૂ. 35.34 લાખ મેળવ્યા હતા અને પોતાની પેઢીનું રૂ. 12.02 લાખનું પ્રિન્ટિંગ કામ કરાવ્યા બાદ પણ ચુકવણી કરી નહોતી.

પાર્ટનરશિપમાં કામ કરવાની લાલચ આપી

સોલા રોડ પર રહેતા 51 વર્ષીય હિરેનકુમાર ચીનુભાઈ ગાંધી પત્નીના નામે ‘શાર્પ ડિઝાઇન’ ફર્મ ચલાવે છે અને ગ્રાફિક્સ ડિઝાઇનિંગ તથા પ્રિન્ટિંગનો વ્યવસાય કરે છે. ફરિયાદ મુજબ, જુલાઈ 2024માં તેમની મુલાકાત રોનક પ્રમોદભાઈ ભાવસાર સાથે થઈ હતી. રોનકે પોતાની ‘આર.બી. એન્ટરપ્રાઇઝ’ અને માતા જાગૃતિબહેનના નામે ‘પ્રજા ગ્રાફિક્સ’ ચલાવતા હોવાનું જણાવી ફાર્મા કંપનીઓનું મોટું પ્રિન્ટિંગ કામ અપાવવાની ખાતરી આપી હતી.

બે ફાર્મા કંપનીના નામે બોગસ ઓર્ડર

ફરિયાદ અનુસાર, ઓગસ્ટથી ઓક્ટોબર 2024 દરમિયાન ‘એઇમ ફાર્મા’ના રૂ. 33.75 લાખ અને ‘રેજીન ફાર્મા’ના રૂ. 66.64 લાખના પર્ચેસ ઓર્ડર ઇમેઇલ મારફતે મોકલવામાં આવ્યા હતા. બંને કંપનીઓના ઓર્ડર એકસાથે મળ્યા હોવાનું જણાવી જથ્થાબંધ કાચો માલ ખરીદવાથી ખર્ચ ઓછો થશે તેવી વાત કરવામાં આવી હતી.

આ બહાને વેપારી પાસેથી બેંક મારફતે રૂ. 23.73 લાખ અને રોકડમાં રૂ. 11.61 લાખ મળી કુલ રૂ. 35.34 લાખ લેવામાં આવ્યા હતા. જોકે, આરોપીઓએ કાચો માલ ખરીદ્યો ન હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.

પ્રિન્ટિંગ કામના રૂ. 12.02 લાખ પણ બાકી

આ ઉપરાંત, આરોપીઓએ પોતાની ‘પ્રજા ગ્રાફિક્સ’ પેઢી માટે બ્રોશર, સ્ટીકર અને બોક્સનું રૂ. 12.02 લાખનું પ્રિન્ટિંગ કામ પણ કરાવ્યું હતું. વેપારીએ નાણાંની ઉઘરાણી કરતાં વારંવાર વાયદા કરવામાં આવતા હતા. શંકા જતાં તપાસ કરતાં ‘એઇમ ફાર્મા’ અને ‘રેજીન ફાર્મા’ નામની કંપનીઓ અસ્તિત્વમાં ન હોવાનું સામે આવ્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.

માતા-પુત્ર સામે ગુનો નોંધાયો

છેતરપિંડીનો અહેસાસ થતાં હિરેનકુમાર ગાંધીએ આર્થિક ગુના નિવારણ શાખામાં રોનક ભાવસાર અને જાગૃતિબહેન ભાવસાર સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai