નૂતન વર્ષના દિવસે સૌથી વધુ 6,776 ઇમરજન્સી કેસ થવાની શક્યતા; રાજ્યની 1,494 એમ્બ્યુલન્સ સજ્જ, સ્ટાફ માટે ‘ઝીરો લીવ’ નીતિ લાગુ
ગાંધીનગર: ગુજરાતમાં દિવાળી પર્વ દરમિયાન ઇમરજન્સી મેડિકલ કેસોમાં સામાન્ય દિવસોની સરખામણીએ નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. 108 ઇમરજન્સી મેડિકલ સર્વિસિસ (EMS) દ્વારા ભૂતકાળના આંકડા અને ટ્રેન્ડ્સના આધારે કરવામાં આવેલા વિશ્લેષણ મુજબ, દિવાળીથી ભાઈબીજ સુધીના તહેવારો દરમિયાન ઇમરજન્સી કેસોમાં 29 ટકા સુધીનો વધારો થઈ શકે છે. સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં 1,494 એમ્બ્યુલન્સનો કાફલો હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યો છે. સાથે જ ઇમરજન્સી સેવાઓમાં કાર્યરત સ્ટાફની રજાઓ પર નિયંત્રણ મૂકીને વિશેષ ડ્યૂટી રોસ્ટર તૈયાર કરવામાં આવ્યું છે.
નૂતન વર્ષના દિવસે સૌથી વધુ ઇમરજન્સી કેસ થવાની શક્યતા
108ના વિશ્લેષણ મુજબ સામાન્ય દિવસોમાં સરેરાશ 5,248 ઇમરજન્સી કેસ નોંધાય છે. તેની સરખામણીએ દિવાળી, 8 નવેમ્બરના રોજ 16.44 ટકાના વધારા સાથે 6,111 કેસ નોંધાવાનો અંદાજ છે. જ્યારે નૂતન વર્ષ, 10 નવેમ્બરના રોજ 29.12 ટકાના વધારા સાથે 6,776 કેસ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભાઈબીજ, 11 નવેમ્બરના રોજ પણ 22.96 ટકાના વધારા સાથે 6,453 ઇમરજન્સી કેસ નોંધાઈ શકે છે.
રોડ અકસ્માત અને દાઝવાના બનાવોમાં વધારો થવાની શક્યતા
તહેવારો દરમિયાન વાહનવ્યવહાર વધવા અને ફટાકડા ફોડવાની પ્રવૃત્તિને કારણે અકસ્માત તથા દાઝવાના બનાવોમાં વધારો થવાની શક્યતા છે. 108ના આંકડા મુજબ સામાન્ય દિવસોમાં સરેરાશ 646 વાહન અકસ્માતના કેસ નોંધાય છે. તેની સામે દિવાળીના દિવસે 88.24 ટકાના વધારા સાથે 1,216 અને નૂતન વર્ષના દિવસે 140.87 ટકાના વધારા સાથે 1,556 અકસ્માતના કેસ નોંધાવાનો અંદાજ છે. ભાઈબીજના દિવસે પણ 57.28 ટકાના વધારા સાથે 1,016 કેસ થવાની સંભાવના છે. તેમાં ટુ-વ્હીલર અકસ્માતોનું પ્રમાણ વધુ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે.
બીજી તરફ, ફટાકડાને કારણે દાઝવાના બનાવોમાં પણ મોટો વધારો થઈ શકે છે. સામાન્ય દિવસોમાં સરેરાશ 11 બર્ન્સ કેસ સામે દિવાળીના દિવસે 563.64 ટકાના વધારા સાથે 73 કેસ નોંધાવાની શક્યતા છે. શારીરિક હુમલાના બનાવોમાં પણ વધારો થવાનું અનુમાન છે. સામાન્ય દિવસોમાં સરેરાશ 204 કેસની સામે દિવાળીના દિવસે 567 અને નૂતન વર્ષના દિવસે 570 કેસ નોંધાઈ શકે છે.
14 જિલ્લાઓમાં ઇમરજન્સીનું પ્રમાણ વધવાની શક્યતા
108 દ્વારા જાહેર કરાયેલા વિશ્લેષણ મુજબ રાજ્યના 14 જિલ્લાઓમાં સામાન્ય દિવસોની સરખામણીએ ઇમરજન્સી કેસોમાં વધુ વધારો જોવા મળી શકે છે. તેમાં આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, દાહોદ, ગીર સોમનાથ, કચ્છ, મોરબી, નર્મદા, પંચમહાલ, પોરબંદર, સુરત, વડોદરા અને વલસાડ જિલ્લાઓનો સમાવેશ થાય છે.
સમયની દૃષ્ટિએ બપોરે 12થી રાત્રે 11 વાગ્યા સુધીનો સમય ઇમરજન્સી માટે પીક અવર્સ રહેવાની શક્યતા છે. ખાસ કરીને દિવાળીની રાત્રે 8થી 11 વાગ્યા દરમિયાન તેમજ મોડી રાત્રે 12થી વહેલી સવારે 5 વાગ્યા સુધી ઇમરજન્સી કેસોનું પ્રમાણ ઊંચું રહી શકે છે.
108ની તૈયારીઓ: સ્ટાફની રજાઓ પર નિયંત્રણ
સંભવિત વધારાને પહોંચી વળવા માટે 108ના ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર (ERC) ખાતે સ્ટાફ માટે ‘ઝીરો લીવ’ નીતિ લાગુ કરવામાં આવી છે. સાપ્તાહિક રજાઓનું પણ નિયંત્રણ કરીને વિશેષ ડ્યૂટી રોસ્ટર તૈયાર કરાયું છે. હોસ્પિટલોમાં ફિલ્ડ સ્ટાફની તૈનાતી કરવામાં આવી છે. તમામ એમ્બ્યુલન્સનું પ્રી-સર્વિસિંગ પૂર્ણ કરાવી દવાઓ અને જરૂરી તબીબી સાધનોનો વધારાનો જથ્થો ઉપલબ્ધ રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
હાલમાં 108નો સરેરાશ રિસ્પોન્સ ટાઇમ 12 મિનિટ અને 53 સેકન્ડ હોવાનું જણાવાયું છે. ઇમરજન્સીની સ્થિતિમાં નાગરિકો 108 ઉપરાંત ડાયલ-112 જનરક્ષક સેવા પર પણ સંપર્ક કરી શકે છે.
નાગરિકોને સાવચેતી રાખવા અપીલ
108 ઇમરજન્સી મેડિકલ સર્વિસિસ, ગુજરાતના ચીફ ઓપરેટિંગ ઓફિસરે નાગરિકોને તહેવારો દરમિયાન સાવચેતી રાખવા અપીલ કરી છે. વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા, ફટાકડા ફોડતી વખતે સુરક્ષાનાં પગલાં લેવા અને ખાદ્યપદાર્થોના સેવનમાં કાળજી રાખવા જણાવ્યું છે. કોઈપણ ઇમરજન્સી સર્જાય તો સમય બગાડ્યા વિના તાત્કાલિક 108 પર સંપર્ક કરવા પણ અપીલ કરવામાં આવી છે.
દિવાળીના તહેવારોમાં ખુશી અને ઉત્સાહની સાથે નાગરિકોની સુરક્ષા પણ એટલી જ મહત્ત્વપૂર્ણ છે. 108 તંત્ર દ્વારા કરવામાં આવેલી આ તૈયારીઓનો હેતુ તહેવારો દરમિયાન જરૂરિયાતમંદ લોકોને સમયસર તબીબી સહાય પૂરી પાડવાનો છે.










