પોલીસની અલગ-અલગ કાર્યવાહીમાં 1,007 દારૂના ચપટા અને 190 બોટલો કબજે; બે સપ્લાયરોને ફરાર જાહેર કરી શોધખોળ શરૂ
જામનગર શહેર અને જિલ્લામાં દારૂની ગેરકાયદે હેરાફેરી તથા વેચાણ સામે પોલીસે એકસાથે પાંચ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં એસટી બસના ડ્રાઈવર સહિત પાંચ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા કુલ 1,007 દારૂના ચપટા અને 190 બોટલો કબજે કરવામાં આવી હતી. દારૂનો જથ્થો સપ્લાય કરનારા બે શખ્સોનાં નામ ખૂલતાં તેમને ફરાર જાહેર કરી પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે.
મંગલધામ સોસાયટીમાંથી 379 દારૂના ચપટા મળ્યા
જામનગરના રણજીતસાગર રોડ પર મારુ કંસારા હોલ પાછળ આવેલી મંગલધામ સોસાયટીમાં રહેતા મંગળસિંહ બહાદુરસિંહ જાડેજા (ઉ.વ. 46)ના વાડામાં દારૂનો જથ્થો સંતાડ્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન 379 દારૂના ચપટા મળી આવ્યા હતા. પોલીસે આશરે રૂ.37 હજારની કિંમતનો દારૂ કબજે કરી મંગળસિંહ જાડેજાની અટકાયત કરી હતી.
પૂછપરછ દરમિયાન આ દારૂનો જથ્થો જામનગરના પીંજારાવાસમાં રહેતા સાહિલ મોદી પાસેથી મેળવ્યો હોવાનું સામે આવ્યું હતું. આથી પોલીસે સાહિલ મોદીને ફરાર જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.
ધુડશિયા ગામે મકાનમાંથી દારૂના ચપટા જપ્ત
મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના અને હાલ જામનગર નજીકના ધુડશિયા ગામે કોસરિયા સીમ વિસ્તારમાં કમલેશભાઈ વલ્લભભાઈની વાડીમાં રહેતા રાજુ ગણપતભાઈ રાવત (ઉ.વ. 23)ના રહેણાક મકાનમાં પંચકોશી એ ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો. તલાશી દરમિયાન મકાનમાંથી રૂ.800ની કિંમતના આઠ અંગ્રેજી દારૂના ચપટા મળી આવ્યા હતા. પોલીસે દારૂનો જથ્થો કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પંચવટી સોસાયટીમાંથી 120 દારૂની બોટલો મળી
જામનગરના પંચવટી સોસાયટી વિસ્તારમાં મોદી સ્કૂલ પાછળ આવેલા મોહ એપાર્ટમેન્ટના બ્લોક નં.10માં રહેતા લખમણભાઈ ઉર્ફે લાખો કારાભાઈ હૂણ (ઉ.વ. 25)ના મકાનમાં દારૂ સંતાડ્યો હોવાની બાતમી સિટી બી ડિવિઝન પોલીસને મળી હતી. તેના આધારે પોલીસે દરોડો પાડતાં મકાનમાંથી રૂ.1,78,738ની કિંમતની 120 અંગ્રેજી દારૂની બોટલો મળી આવી હતી.
પોલીસે લખમણભાઈની અટકાયત કરી પૂછપરછ કરતાં આ જથ્થો પોરબંદર જિલ્લાના બગવદર તાલુકાના માલદીવારી નેશમાં રહેતા બાલુભાઈ નાથાભાઈ કોડીયાતર પાસેથી મેળવ્યો હોવાનું ખુલ્યું હતું. પોલીસે બાલુ કોડીયાતરને ફરાર જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી છે.
પડાણા ગામે તુફાન ગાડીમાંથી દારૂનો જથ્થો ઝડપાયો
જોડિયા પોલીસ પડાણા ગામના બસ સ્ટેશન પાસે પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તુફાન ગાડીમાં દારૂની હેરાફેરી થતી હોવાની જાણ થઈ હતી. પોલીસે ગાડી અટકાવી તપાસ કરતાં મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના અને હાલ મોરબી જિલ્લાના ગાળા ગામે રહેતા રાકેશ ફેલસિંગ અજનાર (ઉ.વ. 27) પાસેથી રૂ.10,500ની કિંમતના 70 દારૂના ચપટા મળી આવ્યા હતા.
પોલીસે દારૂના જથ્થા ઉપરાંત રૂ.2 લાખની તુફાન ગાડી અને રૂ.5 હજારનો મોબાઈલ ફોન મળી કુલ રૂ.2,15,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીની અટકાયત કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
એસટી બસમાંથી 620 બોટલ દારૂ મળી, ડ્રાઈવર ઝડપાયો
કાલાવડ ગ્રામ્ય પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એસટી બસમાં થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો હતો. બાતમીના આધારે પોલીસે જીજે-18-ઝેડટી-2943 નંબરની છોટાઉદેપુર-જામનગર એસટી બસને અટકાવી તપાસ કરી હતી. બસમાંથી રૂ.1.50 લાખની કિંમતની નાની-મોટી 620 અંગ્રેજી દારૂની બોટલો મળી આવી હતી.
પોલીસે આ જથ્થા સાથે બસના ડ્રાઈવર રાજેશકુમાર ઉર્ફે પકો ભીમસિંહભાઈ પટેલિયા (ઉ.વ. 44, રહે. ડાંગરિયા ગામ, પટેલ ફળિયું, તા. મોરવા હડપ, જી. પંચમહાલ)ની અટકાયત કરી હતી. તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જામનગર શહેર અને જિલ્લામાં દારૂની હેરાફેરી સામે પોલીસે હાથ ધરેલી આ પાંચ અલગ-અલગ કાર્યવાહીમાં પાંચ આરોપીઓ ઝડપાયા છે. જ્યારે દારૂના જથ્થાના સપ્લાયમાં સંડોવાયેલા હોવાનું સામે આવેલા બે શખ્સોને ઝડપી લેવા પોલીસે તપાસ તેજ કરી છે.










