સાળંગપુરથી પરત ફરી રહેલા પરિવારની મિનિબસ ખોડિયાર રેસ્ટોરન્ટમાં ઘૂસી; 10 સભ્યોનો આબાદ બચાવ, ચાલકને હાર્ટ એટેક આવ્યો હોવાની પ્રાથમિક આશંકા
અમદાવાદ જિલ્લાના ધંધુકા નજીક હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સાળંગપુર મંદિરે દર્શન કરીને પરત ફરી રહેલા પરિવારની મિનિબસ અચાનક બેકાબૂ બની હાઈવે નજીક આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટમાં ઘૂસી ગઈ હતી. આ દુર્ઘટનામાં મિનિબસના ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બસમાં સવાર પરિવારના 10 સભ્યોનો આબાદ બચાવ થયો હતો.
મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેરનો એક પરિવાર મિનિબસમાં સૌરાષ્ટ્રનાં ધાર્મિક સ્થળોની યાત્રાએ ગયો હતો. પરિવાર સાળંગપુર મંદિરે દર્શન કરીને અમદાવાદ પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન ધંધુકા નજીક પહોંચતાં ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે મિનિબસ પૂરપાટ ઝડપે હાઈવે પાસે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી.
રેસ્ટોરન્ટમાં બસ ઘૂસતાં અફરાતફરી
મિનિબસ સીધી રેસ્ટોરન્ટના આગળના ભાગમાં ઘૂસી જતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. બસમાં સવાર પરિવારજનોમાં ચીસાચીસ થઈ હતી. જોકે, સદનસીબે પરિવારના તમામ 10 સભ્યોનો બચાવ થયો હતો. રેસ્ટોરન્ટમાં હાજર લોકો પણ આ દુર્ઘટનામાં બચી ગયા હતા.
ચાલકને હાર્ટ એટેક આવ્યો હોવાની આશંકા
અકસ્માનાં કારણ અંગે પ્રાથમિક તપાસમાં ચાલકને ડ્રાઇવિંગ દરમિયાન હાર્ટ એટેક આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, અકસ્માતનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. બસ બેકાબૂ બનતાં ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
પોલીસ ઘટનાસ્થળે પહોંચી, મૃતદેહ પીએમ માટે ખસેડાયો
ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી અને ચાલકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતને પગલે હાઈવે પર થોડા સમય માટે લોકોનાં ટોળાં એકત્ર થયાં હતાં. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.










