સુરેન્દ્રનગરમાં ગેરકાયદે કોલસા ખનન સામે તંત્રનો સપાટો : 30 કુવાઓ ઝડપાયા, રૂ.60 લાખનો મુદ્દામાલ જપ્ત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

મૂળી અને થાન પંથકમાં પોલીસ-ખાણખનીજ વિભાગના સંયુક્ત દરોડા; 30 ચરખી, 16 ટ્રેક્ટર, 100 મેટ્રિક ટન ખનિજ અને વિસ્ફોટકો કબજે

સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી અને થાન સહિતના વિસ્તારોમાં ગેરકાયદેસર કાર્બોસેલ (કોલસા) ખનન સામે તંત્રએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા પોલીસ વડાની સૂચના બાદ લીંબડી DYSPના માર્ગદર્શન હેઠળ પોલીસ અને ખાણ-ખનીજ વિભાગની સંયુક્ત ટીમોએ ચિત્રાલાખ અને થાનગઢના રાવરાણીની સીમમાં ઓચિંતાં દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં કોલસા કાઢવાના આશરે 30 ચાલુ કુવાઓ મળી આવ્યા હતા. સ્થળ પરથી રૂ.60 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પાંચ પોલીસ મથકોની ટીમોએ સંયુક્ત કાર્યવાહી કરી

લીંબડી DYSP વિશાલ રબારીને મળેલી ચોક્કસ બાતમીના આધારે સાયલા, મૂળી, લીંબડી, આણંદપુર અને થાન પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા કર્મચારીઓની ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોમાં સુરેન્દ્રનગર ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓને પણ સામેલ કરવામાં આવ્યા હતા.

સંયુક્ત ટીમોએ ચિત્રાલાખ અને થાનગઢના રાવરાણીની સીમમાં અચાનક દરોડા પાડતાં ગેરકાયદેસર ખનન સાથે સંકળાયેલા તત્વોમાં દોડધામ મચી ગઈ હતી. તપાસ દરમિયાન કોલસાનું ખનન કરતા આશરે 30 ચાલુ કુવાઓ મળી આવ્યા હતા.

30 ચરખી અને 16 ટ્રેક્ટર સહિતનો મુદ્દામાલ કબજે

દરોડા દરમિયાન સ્થળ પરથી પોલીસે મોટી માત્રામાં સાધનસામગ્રી અને ખનિજ જથ્થો જપ્ત કર્યો હતો. તેમાં 30 ચરખીઓ, પાઈપો, બકેટ, 16 ટ્રેક્ટર અને 100 મેટ્રિક ટન ખનિજનો જથ્થો સામેલ છે. આ ઉપરાંત 131 જિલેટીન સ્ટીક અને 39 ડિટોનેટર પણ મળી આવ્યા હતા. જપ્ત કરાયેલા સમગ્ર મુદ્દામાલની કિંમત રૂ.60 લાખથી વધુ આંકવામાં આવી છે.

વિસ્ફોટક સામગ્રી મળતાં બે સામે ગુનો

ખનન સ્થળ પરથી જિલેટીન સ્ટીક અને ડિટોનેટર જેવી વિસ્ફોટક સામગ્રી મળી આવતાં સાયલા પોલીસે હરજી વાલજીભાઈ માત્રાણીયા (રહે. થાનગઢ) અને મનસુખ હીરાભાઈ માલકિયા (રહે. કાનપર) સામે એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. જોકે, દરોડા દરમિયાન બંને આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. તેમને ઝડપી પાડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ખાણ-ખનીજ વિભાગ દ્વારા ખોદકામની માપણી

સુરેન્દ્રનગર ખાણ-ખનીજ વિભાગના સર્વેયર દ્વારા સ્થળ પર થયેલા ખોદકામની માપણી અને અન્ય કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. તપાસ આગળ વધતાં ગેરકાયદેસર ખનન અને ખનિજચોરીના વધુ મોટા આંકડા સામે આવી શકે તેવી શક્યતા સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

તંત્ર દ્વારા જપ્ત કરાયેલી ચરખીઓ ખાણ-ખનીજ કચેરી ખાતે અને ટ્રેક્ટરો થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે સીઝ કરવામાં આવ્યા છે. કરોડો રૂપિયાના વહીવટની આશંકા વચ્ચે હવે ખનનના વ્યાપ અને તેમાં સંકળાયેલા અન્ય લોકોની ભૂમિકા અંગેની તપાસ પર નજર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai