અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટની ધીમી ગતિ : ચાર વર્ષમાં માત્ર 20% કામ પૂર્ણ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

રૂ.2,379 કરોડના પ્રોજેક્ટ પાછળ રૂ.1,026 કરોડ ખર્ચાયા છતાં ભૌતિક પ્રગતિ 20 ટકા; જૂન 2027 સુધીમાં કામ પૂરું કરવાનો લક્ષ્યાંક

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનને વિશ્વસ્તરીય સુવિધાઓથી સજ્જ બનાવવાની મહત્ત્વાકાંક્ષી યોજનાની કામગીરીની ગતિ સામે સવાલો ઊભા થયા છે. કેન્દ્ર સરકારના રૂ.150 કરોડથી વધુ ખર્ચ ધરાવતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની પ્રગતિ પર નજર રાખતી કચેરીના સરકારી અહેવાલ મુજબ, અમદાવાદ રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનું અત્યાર સુધી માત્ર 20 ટકા ભૌતિક કામ પૂર્ણ થયું છે. આ પ્રોજેક્ટ પાછળ અત્યાર સુધી રૂ.1,026.58 કરોડનો ખર્ચ થઈ ચૂક્યો છે.

રૂ.2,379 કરોડના પ્રોજેક્ટને 2023માં મંજૂરી

સરકારી રિપોર્ટ મુજબ, રેલવે લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (RLDA) દ્વારા હાથ ધરાયેલા અમદાવાદ રેલવે સ્ટેશનના પુનઃવિકાસ પ્રોજેક્ટને 24 જાન્યુઆરી, 2023ના રોજ મંજૂરી આપવામાં આવી હતી. પ્રોજેક્ટનો મૂળ ખર્ચ રૂ.2,379 કરોડ નક્કી કરવામાં આવ્યો હતો અને કામ પૂર્ણ કરવાની સમયમર્યાદા 30 જૂન, 2027 રાખવામાં આવી છે.

જોકે, અત્યાર સુધીમાં રૂ.1,026.58 કરોડ ખર્ચાઈ ચૂક્યા હોવા છતાં ભૌતિક પ્રગતિ માત્ર 20 ટકા નોંધાઈ છે. બાકી રહેલું 80 ટકા કામ નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવું હવે મોટો પડકાર બની શકે છે. સ્ટેશનને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવાની જાહેરાતો વચ્ચે વાસ્તવિક કામગીરીની ગતિ પર સવાલો ઊભા થયા છે.

વર્ષોથી ચાલી રહેલા રેલવે પ્રોજેક્ટ્સની કામગીરી પણ અધૂરી

ગુજરાતમાં ભારતીય રેલવેના કુલ 27 પ્રોજેક્ટ્સ હાલ અમલીકરણ હેઠળ છે. તેમાં કેટલાક પ્રોજેક્ટ્સને મંજૂરી મળ્યાને વર્ષો વીતી ગયા હોવા છતાં કામગીરી પૂર્ણ થઈ નથી.

અમદાવાદ-હિંમતનગર-ઉદયપુર રેલવે પ્રોજેક્ટને વર્ષ 2008માં મંજૂરી મળી હતી, પરંતુ તેની પ્રગતિ 91 ટકા સુધી પહોંચી છે. છોટાઉદેપુર-ધાર પ્રોજેક્ટને 2007માં મંજૂરી આપવામાં આવી હતી, જેનું કામ હજુ 58 ટકા પૂર્ણ થયું છે. જ્યારે દાહોદ-ઇન્દોર પ્રોજેક્ટની ભૌતિક પ્રગતિ 57 ટકા નોંધાઈ છે.

મુંબઈ-અમદાવાદ રૂટ પર ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમમાં વિલંબ

મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ વચ્ચેના રેલવે રૂટ પર ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ સ્થાપિત કરવાની કામગીરીમાં પણ વિલંબ થયો છે. ટ્રેનને અકસ્માતોથી બચાવવા અને મુસાફરી વધુ સુરક્ષિત બનાવવા માટે હાથ ધરાયેલા આ પ્રોજેક્ટનું અત્યાર સુધી માત્ર 20 ટકા કામ પૂર્ણ થયું છે.

આ પ્રોજેક્ટનો મૂળ ખર્ચ રૂ.311 કરોડ હતો, જે વધારીને રૂ.379.61 કરોડ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં રૂ.234.90 કરોડ ખર્ચાયા હોવા છતાં 80 ટકા કામ બાકી છે. મૂળ સમયમર્યાદા ડિસેમ્બર 2025 હતી, જેને વધારીને ડિસેમ્બર 2026 કરવામાં આવી છે.

ગુજરાતના મુદત લંબાવાયેલા રેલવે પ્રોજેક્ટ્સ

પ્રોજેક્ટ

સુધારેલો ખર્ચ

કામની પ્રગતિ

મૂળ સમયમર્યાદા

નવી સમયમર્યાદા

અમદાવાદ-હિંમતનગર-ઉદયપુર

રૂ.2,837.80 કરોડ

91%

માર્ચ 2024

માર્ચ 2026

મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ

રૂ.379.61 કરોડ

20%

ડિસેમ્બર 2025

ડિસેમ્બર 2026

નળિયા-જખૌ પોર્ટ નવી બ્રોડગેજ લાઈન

રૂ.410.29 કરોડ

5%

જાન્યુઆરી 2028

ફેબ્રુઆરી 2028

સાબરમતી ટ્રેનસેટ મેઈન્ટેનન્સ સુવિધા

રૂ.249.67 કરોડ

91%

ડિસેમ્બર 2025

મે 2026

બરેજડી-નાંદેજ-ગેરતપુર-સાણંદ ચોથી લાઈન

રૂ.2,402.71 કરોડ

25%

માર્ચ 2027

જુલાઈ 2028

ખર્ચ અને સમયમર્યાદા વચ્ચે સંતુલનનો પડકાર

ગુજરાતમાં ચાલી રહેલા વિવિધ રેલવે પ્રોજેક્ટ્સના આંકડા દર્શાવે છે કે અનેક યોજનાઓમાં ખર્ચ વધ્યો છે અને સમયમર્યાદા પણ લંબાવવામાં આવી છે. અમદાવાદના કાલુપુર સ્ટેશનના રિડેવલપમેન્ટમાં અત્યાર સુધી થયેલો ખર્ચ અને તેની સામે નોંધાયેલી ભૌતિક પ્રગતિને ધ્યાનમાં રાખતાં હવે બાકીનું કામ સમયસર પૂરું કરવું મહત્ત્વપૂર્ણ બન્યું છે. ખાસ કરીને જૂન 2027ની નિર્ધારિત સમયમર્યાદા પહેલાં પ્રોજેક્ટની કામગીરી કેટલી ઝડપથી આગળ વધે છે તેના પર સૌની નજર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai