18 મહિનામાં કામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક; આધુનિક ડ્રેનેજ, સ્ટ્રીટલાઇટ, ફૂટપાથ અને સુરક્ષા સુવિધાઓથી માર્ગ સજ્જ કરાશે
યાત્રાધામ દ્વારકામાં વધતા વાહનવ્યવહાર અને ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા રાજ્ય સરકાર દ્વારા રૂ.79.54 કરોડના ખર્ચે ચાર માર્ગીય બાયપાસ રોડનું નિર્માણ હાથ ધરવામાં આવ્યું છે. 4.49 કિલોમીટર લાંબા આ માર્ગથી શહેરના આંતરિક વિસ્તારોમાં વાહનોનું ભારણ ઘટવાની સાથે દેશ-વિદેશથી આવતા યાત્રાળુઓ અને પ્રવાસીઓને વધુ સરળ તથા સુરક્ષિત અવરજવરનો લાભ મળશે.
4.49 કિલોમીટર લાંબા માર્ગનું નિર્માણ
દ્વારકા બાયપાસ રોડનું કિ.મી. 0/0થી 4/490 સુધીનું કામ હાથ ધરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ માટે રૂ.131.76 કરોડની વહીવટી તેમજ ટેકનિકલ મંજૂરી આપવામાં આવી છે. જ્યારે ડીટીપી ખર્ચ રૂ.94.94 કરોડ નક્કી કરવામાં આવ્યો છે.
અમદાવાદની શ્રીજી ઇન્ફ્રાસ્પેસ પ્રા.લિ. એજન્સીને આ કામ સોંપવામાં આવ્યું છે. એજન્સીએ અંદાજિત ખર્ચ કરતાં 16.22 ટકા નીચા ભાવે એટલે કે રૂ.79,54,61,924.43ના ખર્ચે ટેન્ડર ભર્યું હતું.
એપ્રિલ 2028 સુધીમાં કામ પૂર્ણ કરવાનું આયોજન
પ્રોજેક્ટ માટે 29 ઓક્ટોબર, 2026ના રોજ વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો અને તે જ દિવસથી કામગીરી શરૂ કરવામાં આવી છે. સમગ્ર બાયપાસનું નિર્માણ 18 મહિનામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. તે મુજબ 28 એપ્રિલ, 2028 સુધીમાં કામ પૂરું કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
વરસાદી પાણીના નિકાલ માટે આધુનિક ડ્રેનેજ
બાયપાસ રોડના નિર્માણમાં માર્ગની મજબૂતાઈ અને મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને વિવિધ આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે. માર્ગની બંને બાજુ સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ બનાવવામાં આવશે, જેથી ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થઈ શકે અને રસ્તા પર પાણી ભરાવાની સમસ્યા ટાળી શકાય.
આ ઉપરાંત લાંબા સમય સુધી ટકાઉ રહે તેવો સિમેન્ટ કોન્ક્રીટ રોડ બનાવવામાં આવશે. વાહનચાલકોની સલામતી માટે રિફ્લેક્ટિવ સાઇન બોર્ડ, રોડ માર્કિંગ, લેન લાઇન, ઝેબ્રા ક્રોસિંગ, મેટલ ક્રેશ બેરિયર, સેફ્ટી રેલિંગ, કેટ આઈઝ, ડેલિનેટર્સ અને સ્પીડ વોર્નિંગ સાઇન જેવી વ્યવસ્થાઓ પણ ઊભી કરાશે.
ફૂટપાથ, સ્ટ્રીટલાઇટ અને ગ્રીન બેલ્ટનો વિકાસ
પદયાત્રીઓની સલામત અવરજવર માટે ફૂટપાથ અને ક્રોસિંગની સુવિધા વિકસાવવામાં આવશે. રાત્રિના સમયે વાહનચાલકોને સરળતા રહે તે માટે આધુનિક સ્ટ્રીટલાઇટિંગની વ્યવસ્થા પણ કરવામાં આવશે.
બાયપાસની બંને બાજુ ગ્રીન બેલ્ટ, લેન્ડસ્કેપિંગ, મિડિયન ડેવલપમેન્ટ અને બ્યુટિફિકેશનની કામગીરી હાથ ધરાશે. આ સુવિધાઓથી દ્વારકામાં પ્રવેશતો માર્ગ વધુ સુવ્યવસ્થિત અને આકર્ષક બનશે.
યાત્રાળુઓ અને સ્થાનિકોને ટ્રાફિકમાંથી રાહત મળશે
બાયપાસ રોડ કાર્યરત થયા બાદ દ્વારકા શહેરના આંતરિક માર્ગો પર વાહનોનું ભારણ ઘટવાની અને ટ્રાફિક વ્યવસ્થા વધુ સરળ બનવાની આશા છે. ખાસ કરીને તહેવારો, રજાઓ અને ધાર્મિક પ્રસંગો દરમિયાન મોટી સંખ્યામાં આવતા યાત્રાળુઓને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળી શકશે.
આ પ્રોજેક્ટથી સ્થાનિક નાગરિકો, પ્રવાસીઓ અને વાહનચાલકો માટે અવરજવર વધુ ઝડપી અને સુરક્ષિત બનશે. સાથે જ દ્વારકાના પ્રવાસન વિકાસ, સ્થાનિક વેપાર-ધંધા, પરિવહન અને રોજગારીની તકોને પણ પ્રોત્સાહન મળવાની સંભાવના છે. આમ, 4.49 કિલોમીટરનો આ ફોરલેન બાયપાસ દ્વારકાના માળખાકીય વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.










