એક આરોપી ઝડપાયો, પાંચ શખ્સોના નામ ખુલ્યા; દારૂના ગેરકાયદે વેપાર માટે સંગઠિત ટોળકી બનાવી હોવાની ફરિયાદ
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા પોલીસ મથક હેઠળ આવતા લાખાપાદર ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડવામાં આવ્યો હતો. બાતમીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે, જ્યારે અન્ય પાંચ શખ્સોનાં નામ ખુલતાં તેમની સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે કુલ રૂ.5,06,175નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
મકાન પાછળ ખુલ્લી જગ્યામાં ચાલતી હતી દારૂની ભઠ્ઠી
પોલીસ ફરિયાદ મુજબ, લાખાપાદર ગામે રહેતા દેવજી ઉર્ફે દેવો ગોબરભાઈ ડાહ્યાભાઈ વાઘેલાએ પોતાના રહેણાક મકાન પાછળની ખુલ્લી જગ્યામાં નવી ધારગણી ગામના સાવલિયા પરામાં રહેતા મુકેશ ઉર્ફે મુકલો કેશાભાઈ ડાહ્યાભાઈ બાબરિયા સાથે મળીને દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીઓ બનાવી હતી. બંને આર્થિક ફાયદા માટે દારૂ ગાળવાની પ્રવૃત્તિ કરતા હોવાની બાતમી SMCને મળી હતી.
રૂ.5.06 લાખનો મુદ્દામાલ જપ્ત
તા.14ના રોજ પાડવામાં આવેલા દરોડા દરમિયાન પોલીસે દેશી દારૂ અને દારૂ ગાળવાની સામગ્રી સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જેમાં 251 લીટર દેશી દારૂ, 2,475 લીટર ઠંડો વોશ, 120 લીટર ગરમ વોશ, ભઠ્ઠી ગાળવાનાં સાધનો, દારૂની હેરફેરમાં વપરાતી ફોરવ્હીલ કાર, રૂ.22,300 રોકડા અને એક મોબાઇલ ફોનનો સમાવેશ થાય છે.
જપ્ત કરાયેલા મુદ્દામાલની વિગતો:
દેશી દારૂ 251 લીટર : રૂ.50,200
ઠંડો વોશ 2,475 લીટર : રૂ.61,875
ગરમ વોશ 120 લીટર : રૂ.3,000
ફોરવ્હીલ કાર : રૂ.3,00,000
રોકડ રકમ : રૂ.22,300
મોબાઇલ ફોન : રૂ.5,000
ભઠ્ઠી ગાળવાનાં સાધનો : કિંમત દર્શાવાઈ નથી
આમ, કુલ રૂ.5,06,175નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. સ્થળ પરથી દેવજી ઉર્ફે દેવો વાઘેલા મળી આવતાં તેને ઝડપી ચલાલા પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો.
પાંચ શખ્સો સામે પણ ગુનો નોંધાયો
ફરિયાદમાં જણાવ્યા મુજબ, પ્રતાપભાઈ દાફડા (રહે. સરંભડા, તા. અમરેલી), મનિષ ભાણદાસભાઈ પરમાર (રહે. કમી, તા. ધારી), જયરાજભાઈ જેબલિયા (રહે. નાના સમઢિયાળા, તા. ધારી), કનુભાઈ અમરાભાઈ ખેતરિયા (રહે. ગરમલી મોટી, તા. ધારી) અને કનુભાઈ મધુભાઈ વાળા (રહે. નાગધ્રા, તા. ધારી) સહિતના શખ્સો દેવજી પાસેથી ગેરકાયદેસર દેશી દારૂ મંગાવી તેનો વેપાર કરતા હોવાનો આક્ષેપ છે. આ રીતે આર્થિક લાભ મેળવવા સંગઠિત ટોળકી બનાવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવવામાં આવતી હોવાની ફરિયાદ નોંધાઈ છે.
અમરેલી LCB દ્વારા વધુ તપાસ
પકડાયેલા દેવજી ઉર્ફે દેવો વાઘેલા વિરુદ્ધ ભૂતકાળમાં પણ ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. આ કેસમાં કુલ સાત આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આગળની તપાસ અમરેલી LCBના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.ડી. વાઘેલા દ્વારા હાથ ધરવામાં આવી છે.










