રેકોર્ડબ્રેક વરસાદ બાદ રાજ્યમાં મૃત્યુઆંક 31 પર; 31 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, હજારોનું રેસ્ક્યૂ
અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા રેકોર્ડબ્રેક વરસાદ બાદ અનેક વિસ્તારોમાં જનજીવન હજુ પણ સંપૂર્ણપણે સામાન્ય બની શક્યું નથી. અમદાવાદ, નવસારી, વલસાડ, સુરત અને ખેડા સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદથી વ્યાપક નુકસાન થયું છે. વરસાદી દુર્ઘટનાઓમાં રાજ્યમાં અત્યાર સુધી 31 લોકોના મોત નોંધાયા છે, જ્યારે માલ-મિલ્કતને પણ મોટાપાયે નુકસાન પહોંચ્યું છે.
ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં સોસાયટીઓ, મકાનો અને માર્ગો પાણીમાં ગરકાવ થયા હતા. રાજ્યભરમાં 31 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યારે 3,500થી વધુ લોકોનું સુરક્ષિત રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. ટ્રેન સેવા અને માર્ગવ્યવહાર પણ ભારે અસરગ્રસ્ત બન્યા હતા.
અમદાવાદમાં વરસાદનું જોર ઘટ્યા બાદ પણ અનેક વિસ્તારોમાં હજુ પાણી ઓસર્યા નથી. બોપલ અને ધુમા વિસ્તારમાં અનેક બંગલાઓ હજુ પણ પાણીમાં ઘેરાયેલા છે, જ્યારે ગુરુકુલ વિસ્તારના શોપિંગ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં અંદાજે 11 ફૂટ પાણી ભરાયેલા હોવાથી સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવામાં મુશ્કેલી પડી રહી છે. શહેરના ઉત્તર-પશ્ચિમ વિસ્તારો તેમજ ખુલ્લા મેદાનો અને ખેતીના ખેતરો હજુ પણ પાણીમાં ગરકાવ છે.
સાબરમતી વિસ્તારના છારાનગર અને રબારીવાસમાંથી 11 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. અનેક વાહનો અને મિલ્કતોને ભારે નુકસાન પહોંચ્યું છે. રાજ્ય સરકાર દ્વારા નુકસાનના સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે.
આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલએ નવસારીમાં અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને રાહત અને પુનઃસ્થાપન કામગીરીની સમીક્ષા કરી હતી. સ્થળાંતરિત લોકોને ભોજન, આરોગ્ય સેવા અને અન્ય જરૂરી સુવિધાઓ ઝડપથી ઉપલબ્ધ કરાવવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.
બીજી તરફ વરસાદનું જોર હવે ધીમે ધીમે ઘટી રહ્યું છે. આજે સવારે 6થી બપોરે 12 વાગ્યા દરમિયાન રાજ્યના 169 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વલસાડના કપરાડામાં 2.20 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે થરાદ, લાખણી, દિયોદર, ધાનેરા, નાનાપોંઢા, ઓરવાડ, દેત્રોજ, સુબીર અને ખેરગામ સહિતના વિસ્તારોમાં પણ સારો વરસાદ પડ્યો હતો. રાજ્યના અન્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં નોંધાયા હતા.
Author: United Times
DAILY NEWS









