11 હજાર જેટલી સ્વનિર્મિત રાખડીઓ અર્પણ કરી સેવાભાવી મહાનુભાવોના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના
રાજકોટ :
રક્ષાબંધન પર્વ નિમિત્તે રાજકોટની એકરંગ ચિલ્ડ્રન્સ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, માણેકનગર દ્વારા સંચાલિત દિવ્યાંગ દીકરીઓના મફત રહેણાંક તાલીમ કેન્દ્ર ખાતે ભાવભીની ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થાની દિવ્યાંગ દીકરીઓએ રાજકોટ શહેરમાં વિવિધ ક્ષેત્રે સેવા આપતા મહાનુભાવો અને અધિકારીઓને રાખડી બાંધી પ્રેમ, સન્માન અને કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે રાજકોટના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, રાજકોટ શહેર પ્રમુખ માધવભાઈ દવે, મેયર નેહલભાઈ શુક્લ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશભાઈ પીપળીયા, રાજકોટ TRBLના ચેરમેન અનિલભાઈ ચૌહાણ સહિતના મહાનુભાવોને રાખડી બાંધવામાં આવી હતી.
આ ઉપરાંત રાજકોટ જિલ્લા કલેક્ટર, CGST કમિશનર, PGVCLના MD સહિતના અધિકારીઓને પણ દિવ્યાંગ દીકરીઓ દ્વારા રક્ષાબંધન નિમિત્તે રાખડી બાંધી હતી.
દિવ્યાંગ દીકરીઓએ જાતે બનાવી 11 હજાર રાખડીઓ
રક્ષાબંધન માટે સંસ્થાની દિવ્યાંગ દીકરીઓએ પોતાના હસ્તે બનાવેલી આશરે 11,000 રાખડીઓ તૈયાર કરી હતી. આ રાખડીઓ રાજકોટના સેવાભાવી મહાનુભાવોને અર્પણ કરવામાં આવી હતી. રાખડી બાંધતી વખતે દીકરીઓએ સૌના સારા સ્વાસ્થ્ય, તંદુરસ્તી અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
રાખડી સાથે કંકુ, ચોખા, સાકર અને નાળિયેરથી મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. સંસ્થા દ્વારા રાખડીઓનું વ્યાવસાયિક વેચાણ ન કરીને તેને ઈશ્વરીય પ્રસાદ અને સ્નેહની લાગણીરૂપે લોકો સુધી પહોંચાડવામાં આવી હતી.
દિવ્યાંગ દીકરીઓ અને સમાજ વચ્ચે સ્નેહનો સેતુ
રક્ષાબંધનના આ પવિત્ર પ્રસંગે એકરંગ પરિવાર દ્વારા શહેરના વિવિધ સેવાભાવી લોકો સાથે સામાજિક સેતુ બાંધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દિવ્યાંગ દીકરીઓએ મહાનુભાવો સાથે પ્રેમભર્યો સંવાદ કરી રાખડી બાંધી હતી.
મહાનુભાવોએ પણ દીકરીઓને આશીર્વાદ આપી તેમની સાથે ભોજન લીધું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન પ્રેમ, સન્માન, લાગણી અને કૃતજ્ઞતાનો માહોલ જોવા મળ્યો હતો.
સંસ્થાએ વ્યક્ત કર્યો આભાર
સંસ્થાના જણાવ્યા મુજબ, સમગ્ર કાર્યક્રમનું સંચાલન એકરંગ સંસ્થાના પ્રમુખ દીપિકાબેન પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું. દિવ્યાંગ દીકરીઓને સમય આપી તેમની લાગણીઓને માન આપનાર તમામ મહાનુભાવો અને અધિકારીઓનો સંસ્થા પરિવાર દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ દ્વારા દિવ્યાંગ દીકરીઓએ પોતાની સર્જનાત્મકતા અને લાગણીશીલતાનો પરિચય કરાવવાની સાથે સમાજના વિવિધ વર્ગો સાથે આત્મીય સંબંધ બાંધવાનો સુંદર પ્રયાસ કર્યો હતો.
અંતે એકરંગ પરિવાર દ્વારા રાજકોટની જનતાને રક્ષાબંધન પર્વ તેમજ આગામી જન્માષ્ટમી પર્વની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.










